ગાંધીનગર: સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ પોણા છ ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વિસાવદરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સુરતના ઉમરપાડામાં 5.51 ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં 3.70 ઇંચ, સુરતના માંગરોળમાં 3.42 ઇંચ, જૂનાગઢના કેશોદમાં 3.00 ઇંચ, નર્મદાના ડેડિયાપાડામાં 2.80 ઇંચ, નર્મદાના સાગબારામાં 2.44 ઇંચ, ભરુચના નેત્રંગમાં 2.20 ઇંચ, સુરતના કામરેજમાં 2.12 ઇંચ વરસાદ નોંધાયો છે.

પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં પડેલા ભારે વરસાદ અને પૂરના કારણે આ વિસ્તારના ગામડાઓ બેટમાં ફેરવાયા છે. ઘેડ પંથકના ગામોમાં ભાદરના પાણી ફરી વળતા એક બીજા ગામોને જોડતા રસ્તા બંધ થઈ ગયા છે. કુતિયાણાથી પસવારી જતા રસ્તા ઉપર ભાદરના પાણી ફરી વળતા આ રસ્તો બંધ થયો ગયો હતો.


પોરબંદર જિલ્લાના અમીપુર ડેમમાંથી પાણી છોડવામા આવતા બળેજ, ગરેજ, રાતીયા સહીતના ગામોને સર્તક કરવામા આવ્યા હતા. જ્યારે બળેજ અને અમીપુર વચ્ચેના રસ્તા ઉપર પાણી ફરી વળતા આ રસ્તો બંધ થઈ ગયો હતો.