ગાંધીનગર: હવામાન વિભાગના જણાવ્યા મુજબ બપોરના બે વાગ્યા સુધીમાં રાજ્યના 30 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 30 તાલુકામાં બરબાદીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધારે કચ્છમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠામાં સરેરાશ એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.   જેમાં સૌથી વધારે અંજાર અને ધાનેરામાં વરસાદ નોંધાયો છે. સવારથી જ કચ્છના અનેક વિસ્તારમાં ઝાપટા અને કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં અંજાર , ગાંધીધામ અને મુન્દ્રા સહિતના વિસ્તારમાં વરસતા લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. આ સાથે જ ખેડૂતોને મોટુ નુકસાન જવાની ભીતિ છે.  


બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં વાવ, થરાદ અને લાખાણી તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ માવઠાને પગલે જીરું, ઘંઉ અને વરિયાળીના પાકને નુકશાન થાય એવી શક્યતા છે.


મહેસાણાના બહુચરાજીમાં પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.  બહુચરાજી એપીએમસીમાં વરસાદી પાણી ભરાતા કપાસ રાયડો અને દિવેલા પાક બગડ્યો છે. 


મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. યાત્રાધામ બહુચરાજીમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.  જેના કારણે નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. બહુચરાજી મંદિર બજાર તેમજ એપીએમસીના મેદાનમાં પાણી ભરાતા વેપારીઓની જણસી પલળી હતી.  કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે તેવામાં એપીએમસીમાં જણસી પલાળતા વેપારીઓને પણ નુકસાન થયું છે. 


મોડાસા , શામળાજી , ધનસુરા , ભિલોડા પંથકમાં માવઠું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.  ભિલોડાના ખેરાડીમાં માવઠાથી ઘઉંના ઉભા પાકને નુકસાન થયું છે.  ઘઉં,બટાકા,ચણા સહિતના પાકોમાં પણ નુકસાન થયું છે.  ખેતરમાં ખુલ્લામાં તૈયાર પડેલો પાક પલળ્યો છે. 


21 જિલ્લામાં વરસાદને લઇને હવામાન વિભાગે આપ્યું એલર્ટ


કચ્છ સહિત સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ  અપાયું છે.  મોરબી, રાજકોટ,બોટાદ, અમરેલી,ગીર સોમનાથ,ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. જેમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાનો સમાવેશ થાય છે.  માવઠાની શક્યતાએ  ખેડૂતોની  ચિંતા વધારી છે.


મધ્ય ગુજરાતના ખેડા, આણંદ,વડોદરા, છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.  પંચમહાલ, દાહોદ,મહીસાગર જિલ્લામાં પણ હવામાન વિભાગે વરસાદનું  યલો એલર્ટ આપ્યું છે.