રાજ્યમાં 4 વાગ્યા સુધીમાં 84 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભૂજમાં 2.3 ઈંચ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Jul 2020 07:54 PM (IST)
રાજ્યમાં આજે સવારે 6 વગ્યાથી 4 વાગ્યા સુધીમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના ભૂજમાં નોંધાયો છે.
ગાંધીનગર : રાજ્યમાં આજે સવારે 6 વગ્યાથી 4 વાગ્યા સુધીમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના ભૂજમાં નોંધાયો છે. ભૂજમાં 2.3 ઈંચ વરસાદ પડ્યો હતો. બોટાદના ગઢડામાં પણ પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. ભૂજમાં વરસેલા ધોધમાર વરસાદથી નીચાણ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઠેર ઠેર પાણી ભરાતા ભૂજ નગરપાલિકાની પ્રિ-માનસુન કામગીરીની પોલ ખુલી હતી. અમરેલી જિલ્લાના લાઠીમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ત્રણ દિવસના વિરામ બાદ લાઠીમાં વરસાદ પડ્યો હતો. લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલીના જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. જાફરાબાદના વઢેરા, કડીયાળી સહિતના ગામોમાં વરસાદ પડયો હતો. વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 12 અને 13 જુલાઈએ નવસારી,દમણ,દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદી આગાહી કરવામાં આવી છે.