Gujarat Rain Update: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. ગઢડા શહેરમાં કાળા ડિબાગ વાદળો વચ્ચે વિજળીના જોરદાર કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરમાં કાળા ડિબાંગ વાદળોથી ધોળા દિવસે રાત જેવો માહોલ સર્જાયો છે.




વરસાદ પડતાં શહેરમા અને ગ્રામ્ય વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો છે.શહેરમાં ધોધમાર વરસાદ પડતા બોટાદના ઝાંપે, જીનનાકા, મઘરપાટ, પોલીસ સ્ટેશન રોડ, બસ સ્ટેશન રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા છે. ગઢડા તાલુકાના લાખણકા,ઢસા,પાટણા,પીપરડી,રસનાળ,માલપરા, ભંડારીયા,પડવદર,સમઢીયાળા,ગુદાળા,રણીયાળા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.


અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત


અમરેલી શહેર બાદ ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ધારીના ચલાલા હૂડલી,જર,મોરજર, છતડીયા સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.


 



તો બીજી તરફ સાવરકુંડલા અને ખાંભા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. સાવરકુંડલા શહેરમાં ધીમીધારે તો ગ્રામ્યમાં વીજળીના  કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાવરકુંડલાના મોટા ઝીંઝુડા, નાના ઝીંઝુડા, પીઠવડી, મેવાસા, સેંજળ જીરા, લુવારા દોલતી સહિત ગ્રામ્ય પંથકોમાં વરસાદ પડ્યો છે. ખાંભા શહેર અને ગ્રામ્યના મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, ભૂંડણી સહિત ગ્રામ્યમાં વરસાદ પડ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.


ભાવનગર જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. વલભીપુર તાલુકા પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ચોગઠ,ચમાડી, નવાગામ, સેદરડા, ધારુંકા, પીપળી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.


જેતપુર ચારણ સમઢીયાળા પાસે આવેલ સુરવો -2  ડેમ સો ટકા ભરાયો


સુરવો -2 ડેમ સો ટકા ભરાતા ડેમ સાઈટ નીચે આવતા વિસ્તારને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. સુરવો -2 ડેમ સાઈટ ઉપર આવતા વિસ્તારમાં વરસાદને કારણે સુરવો 2 ડેમ ફરી સો ટકા ભરાયો છે. સુરવો ડેમ સો ટકા ભરાયો હોઈ ડેમના પાટિયા ગમે ત્યારે ખોલવામાં આવશે તો સાઈટ નીચે આવતા વિસ્તાર થાણા ગાલોળ,ખીરસરા,ખજૂરી ગુંદાળા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા અને સાવચેતી રાખવા ડેમ ઈજનેર દ્વારા   સૂચના અપાઈ છે.