અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વરસાદી માહોલ રહેશે. આજે અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આ જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


2 સપ્ટેમ્બરે ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ,દાદરા નગર હવેલી ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટા છવાયા સ્થળે ભારેથી અતી ભારે વરસાદની આગાહી કરાઈ છે.  2 સપ્ટેમ્બરે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 


3જી સપ્ટેમ્બર અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 


3જી સપ્ટેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ,દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  


સિઝનનો અત્યાર સુધીમાં કેટલો વરસાદ વરસ્યો


ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં   111 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.  સૌથી વધુ કચ્છમાં સિઝનનો અત્યાર સુધીનો 179.21 ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 124.96 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 111.56 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 105 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 88.26 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.


કેટલા ડેમ થયો ઓવરફ્લો


207 પૈકી રાજ્યના 108 જળાશયો હાઉસફુલ થયા છે.  તો કચ્છ-સૌરાષ્ટ્રના 92, તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ ઓવરફ્લો છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 207 પૈકીમાંથી  152 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 131 જળાશયો હાઈએલર્ટ, તો 80થી 90 ટકા ભરાયેલા 15 જળાશયો એલર્ટ અને 70થી 80 ટકા ભરાયેલા છ જળાશયો વોર્નિંગ પર છે. 


અંબાલાલ પટેલની આગાહી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં અતિભારે વરસાદનું  અનુમાન વ્યક્ત કર્યું છે.  બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વરસાદ વરસી શકે છે.દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત કચ્છના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની અનુમાન  અંબાલાલ પટેલે વ્યક્ત કર્યુ છે.


નર્મદાનું પાણી પીતા હોય તો AMCની આ ચેતવણી વાંચી લેજો નહીં તો માંદા પડશો!