Ram Mandir: અયોધ્યામાં આજે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઇ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશભરમાં ઉજવણીનો માહોલ છવાયો છે. ઠેર ઠેર અને ગામે ગામે લોકો રામ ભક્તિમાં ડુબ્યા છે, ગુજરાતના મંદિરોમાં પણ આજે રામ નામના નારાઓથી ગુંજી ઉઠ્યા છે, હાલમાં જ સમાચાર સામે આવ્યા છે, તે પ્રમાણે, સારંગપુરના કષ્ટભંજન દેવ દાદા હનુમાનજી મંદિરમાં આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. કષ્ટભંજન દાદાને આજે વિશેષ શણગારની સાથે અયોધ્યા મંદિરની વૂડન પ્રતિકૃતિ મુકવામાં આવી છે, જે આકર્ષણનું કેન્દ્ર બની છે, આ વૂડન પ્રતિકૃતિ 6*10 ફૂટની છે.




આજે વહેલી સવારે સારંગપુર હનુમાનજી મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આજે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે, ત્યારે “શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ” નિમિત્તે આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય શણગાર સાથે અયોધ્યા શ્રીરામ મંદિરની ઝાંખી કરવામાં આવી છે. "જય જય શ્રી રામ"ના નાદ સાથે ભક્તોનો મંદિર પરિસરમાં જોરદાર જયઘોષ ગુંજી ઉઠ્યો હતો, ખાસ વાત છે કે આજે મંદિરમાં વિશેષ રીતે 6 * 10 ફૂટની શ્રી રામ મંદિરની વૂડન પ્રતિકૃતિ મૂકવામાં પણ આવી છે. મંદિરને ડેકોરેશન કરી ફૂલોથી શણગારીને પટાંગણમાં રંગોળી પુરવામાં આવી છે, આ ઉપરાંત 1 હજારથી વધુ કેસરી કલરના ભગવા ધ્વજ સાથે સમગ્ર પરિસર સુશોભિત પણ કરવામાં આવ્યુ છે. 



રામ મંદિર ભારતીય ધરોહરને સમૃદ્ધ કરશેઃ પીએમ મોદી
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં થઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. તેમણે કહ્યું છે કે રામ મંદિર ભારતીય વિરાસત અને સંસ્કૃતિને સમૃદ્ધ કરવા જઈ રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે રામ મંદિર દેશની વિકાસ યાત્રાને નવી ઉંચાઈઓ પર લઈ જશે. વાસ્તવમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પીએમ મોદીને એક પત્ર લખ્યો હતો જેના જવાબમાં વડાપ્રધાને આ વાત કહી છે.


ગુજરાતના તમામ મંદિરોમાં આજે રામધૂન થઇ રહી છે
ગુજરાતના તમામ મંદિરોમાં આજે રામધૂન થઇ રહી છે. ભાવનગર, જામનગર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, સોમનાથમાં રામધૂન થઇ રહી છે. મહેસાણા, પાટણ, પાલનપુરમાં દિવાળી જેવો માહોલ છે. અમદાવાદના વાડજ, રાણીપ, ઠક્કરબાપાનગર, નિકોલ રામભક્તિમાં રંગાયું છે. નવસારી, સુરત, બારડોલી, વલસાડમાં ઉજવણીના આયોજનો છે. અમદાવાદની તમામ સોસાયટીઓ શણગારાઈ છે. અમદાવાદમાં અનેકના આંગણે રામ રંગોળી બનાવવામાં આવી છે.