ચોટીલાઃ ચોટીલા શહેરના પાળીયાદ રોડ પર રહેતી 14 વર્ષીય છોકરીના ઘરમાં ઘૂસીને મોડી રાત્રે અઢી વાગ્યે બે યુવકે ઉઠાડી હતી ને પછી તેને બાઈક પર વાડીએ લઈ ગયા હતા. આ પૈકી એક યુવકે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. છોકરી સાથે શારીરિક સંબંધ બાંધનારા યુવકે છોકરીને લગ્નની લાલચ આપીને શારીરિક સંબધો બાંધ્યા હોવાથી યુવતીના પરિવારે આ યુવક અને તેને મદદ કરનારા તેના મિત્ર સામે બળાત્કારની ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.


ચોટીલાના પાળીયાદ રોડ ઉપર રહેતી પરીવારની 14 વર્ષની છોકરી પરિવાર સાથે પોતાના ઘરે સુતી હતી ત્યારે મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં ચોટીલા તાલુકાના અકાળા ગામે રહેતો વિજય કાળુભાઇ અને મહેશભાઇ તેના ઘરે આવ્યા હતા. બંનેએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કર્યું હતું અને બાઇક પર ઉઠાવી ગયા હતા.

બંને યુવકે છોકરીને ચોટીલા પાળીયાદ રોડ ઉપર આવેલી ચુનારાની ધાર વિસ્તારમાંથી વાંકાનેરના મેસરીયા વિસ્તારની સીમમાં વાડીએ લઇ ગયા હતા. વિજય કાળુભાઇએ વાડીમાં સગીરા સાથે શારીરિક સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. આ યુવક અને તેના મિત્રે મદદગારી કરી હોવાથી આ બંને યુવકો સામે અપહરણ કરી દુષ્કર્મ કર્યાની ચોટીલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે. આ બાબતની આગળની તપાસ ચોટીલા પોલીસ ચલાવી રહી છે.