અમદાવાદ:  હવામાન વિભાગની આગાહી અનુસાર,  આજે બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં  રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે રાજ્યના  કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, ભરૂચ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરમા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  પોરબંદર,  રાજકોટ,  બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ,  પંચમહાલ,  વડોદરા અને નર્મદામાં વરસાદને લઈ હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે.


વેધરવોચ કમિટીની ગાંધીનગર ખાતે બેઠક મળી હતી.  હવામાન વિભાગ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.  રાહત કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. રાજ્યમાં વરસાદની સ્થિતિ અને આયોજન અંગે  ચર્ચા કરાઈ હતી. 


ઇન્ચાર્જ રાહત કમિશનરે જણાવ્યું કે,   આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્રમાં  2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.  20 જેટલા ગામોમાં પાણીને લઈ રસ્તાઓ બંધ થયા છે.  આર એન્ડ બી વિભાગના અધિકારીઓ રસ્તાઓને ફરી શરુ  કરવા માટે કામગીરી કરી રહ્યા છે. 


જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા ગામો સંપર્ક વિહોણા થયા છે. જિલ્લા તંત્ર દ્વારા મળેલ માહિતી મુજબ પાણીનો નિકાલ શરૂ થઈ ગયો છે.  જલ્દી ગામડાઓનો ફરી સંપર્ક થઈ જશે. જિલ્લા તંત્રને એલર્ટ રહવા સૂચના આપવામાં આવી છે. 


દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ


હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરત, નવસારી, વલસાડ, સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મોરબી, સુરેંદ્રનગર, જામનગર અને દ્વારકા, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ, ભરૂચ, તાપી, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, નર્મદા, બોટાદ, પોરબંદર, રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલીમાં 14 ઇંચ, વિસાવદરમાં 13 ઇંચ જૂનાગઢ શહેરમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે એટલે કે બે જૂલાઇના રોજ સવારે 6 કલાક પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 143 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં 32 તાલુકાઓ એવા છે કે જેમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.