જૂનાગઢ:  જૂનાગઢની ભવનાથ તળેટીને વેજ ઝોન જાહેર કરવા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરવામાં આવ્યો છે.  ભવનાથને વેજ ઝોન જાહેર કરવા વર્ષોથી માંગ ઉઠતી રહી છે .  આ પહેલાં પણ જૂનાગઢ મહાનગરપાલિકામાં ભવનાથને વેજ ઝોન જાહેર કરવા ઠરાવ પસાર કરાયો હતો.એવામાં ફરી ઠરાવ કરાયો છે.  હવે જિલ્લા કલેક્ટરને આ બાબતે દરખાસ્ત મોકલાઈ છે.


જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાનો દાવો છે કે, વહેલી તકે ભવનાથને વેજ ઝોન જાહેર કરવામાં આવશે. 3 માર્ચના જૂનાગઢના દામોદર કુંડ ખાતે સાધુ-સંતોનું સંમેલન મળ્યું હતું. જેમાં પણ ભવનાથને વેજ ઝોન જાહેર કરવાની માંગ થઈ હતી.  


યાત્રાધામ અંબાજી ખાતે ફાસ્ટ ટેગ પાર્કિંગની શરૂઆત


ગુજરાતનું જગવિખ્યાત શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે હવે ફાસ્ટ ટેગ પાર્કિંગની શરૂઆત કરવામાં આવી છે. આ પાર્કિંગ અંબાજી મંદિર દ્વારા બનાવામાં આવેલ છે અને પે-પાર્કિંગ કરતા ઓછા દરે છે.  જેને યાત્રાળુઓનો ખુબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.


યાત્રાધામ અંબાજી મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ માતાજીના દર્શને પધારે છે. જેના લીધે અંબાજીનો વિકાસ પૂરઝડપે થઇ રહ્યો છે અને નવી-નવી ટેક્નોલોજીનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ હવે પાર્કિંગની લાઈનો અને કેશ પૈસાને બદલે ફાસ્ટ ટેગ પાર્કિંગની સવલત ઉભી કરવામાં આવી છે.  અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત પાર્કિંગ જે પહેલા મેન્યુ ચલાવવામાં આવતા હતા તેમાં હવે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. જેમાં ટ્રસ્ટને કોઈપણ જાતનો ખર્ચ ન થાય તે રીતે પદ્માવતી નામની સંસ્થા દ્વારા એરપોર્ટમાં હોય તેવું પાર્કિંગ આધુનિક ફાસ્ટ ટેક પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. 


જેના લીધે યાત્રિકોને સરળતાથી પાર્કિંગની વ્યવસ્થા મળી રહે. આ પાર્કિંગમાં આવતી ગાડીઓ જયારે પાર્કિંગ માં પ્રવેશે છે ત્યારે આપોઆપ ફાસ્ટ ટેગના માધ્યમથી પાર્કિગનો ચાર્જ કપાઈ જાય છે જેને લઇને યાત્રાળુઓને લાંબી લાઈનો કે કેશ અને છુટ્ટા પૈસાની માથાકૂટ રહેતી નથી. ગાડી જયારે પાર્કિંગમાં પ્રવેશીને ફાસ્ટ ટેગ માંથી પૈસા કપાય ત્યાર બાદ તેની એક સ્લીપ પણ પ્રિન્ટ થાય છે જે યાત્રિકોને આપવામાં આવતી હોય છે.  જેને બતાવી  યાત્રિકો પોતાનું વાહન પાર્કિંગમાંથી બહાર લઇ જઈ શકે છે. આ સવલતને યાત્રિકો ખુબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વખાણ પણ કરી રહ્યા છે.