Kadi Result 2025: રાજ્યની બે વિધાનસભા પેટાચૂંટણીના પરિણામ થોડીવારમાં જાહેર થશે. વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર કરાશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટકકર માનવામાં આવે છે.
કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા સહિત કુલ 8 ઉમેદવારોનું રાજકીય ભાવી આજે નક્કી થશે. કડીમાં મેવડ એન્જિનિયરિંગ કોલેજ ખાતે 21 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઈ રહી છે. જેમાં એક રાઉન્ડમાં 14 બૂથની મતગણતરી હાથ ધરાશે, જેમાં પ્રથમ ગ્રામ્ય વિસ્તારના બૂથોની મતગણતરી શરૂ કરાશે.
વર્ષ 2022માં કડીની વિધાનસભા બેઠકની ચૂંટણી દરમિયાન ભાજપે ધારાસભ્ય કરસન સોલંકીને રિપીટ કર્યા હતા. તેઓ 2022માં ફરી ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં તેમનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. 2017માં રાજ્યભરમાં ભાજપ માટે કપરાં ચઢાણ હતાં ત્યારે કરસન સોલંકી આ બેઠક પરથી ભાજપની ટિકિટ પર જીત્યા હતા. પુન:સીમાંકન બાદ આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર થઈ તે પહેલાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ આ બેઠક પરથી ભાજપનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
ભાજપે કડીમાં રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે જેઓ મહેસાણાના જોટાણાના રહેવાસી છે. 66 વર્ષીય ચાવડા અર્થશાસ્ત્ર સાથે બીએની ડિગ્રી ધરાવે છે. રાજેન્દ્ર ચાવડા 1980થી ભાજપના સક્રિય સભ્ય છે અને વર્ષ 1985માં પહેલી વખત જોટાણા વિધાનસભા ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમનો પરાજય થયો હતો.
કડી અને વિસાવદર ચૂંટણીના પરિણામ પર તમામ નજર
ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. હવે ફરી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું છે. મંત્રીમંડળમાં કેટલાક ધરખમ ફેરફારો થવાની પણ પૂરી સંભાવનાઓ છે. વિસાવદર અને કડી વિધાનસભાની યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામ ઉપર આખા ગુજરાતની નજર છે.
વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. વિસાવદર વિધાનસભા બેઠકમાં કુલ 294 બૂથ આવેલા છે, જ્યાં 14 ટેબલ પર 21 રાઉન્ડમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. આ બેઠક પર આપના ગોપાલ ઈટાલિયા અને ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતીન રાણપરિયા વચ્ચે ત્રિપાંખીયો જંગ છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ માઇક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટિંગ સુપરવાઈઝર સહિત કુલ 60 થી વધુ કર્મચારીઓ મતગણતરીની પ્રક્રિયામાં જોડાશે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે બે DySP, 11 PI, 13 PSI સહિત કુલ 200 પોલીસકર્મીઓ પણ મતગણતરી કેન્દ્ર પર તૈનાત કરવામાં આવશે.
જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરીની તમામ ગતિવિધિનું CCTV ની મદદથી મોનિટરિંગ પણ કરાશે. સૌપ્રથમ બેલેટ પેપરની મતગણતરી હાથ ધરાશે, બાદમાં EVM ની મતગણતરી શરૂ થશે. વિસાવદર બેઠક પર સરેરાશ 56.89 ટકા જેટલું મતદાન થયું છે. આ પરિણામથી ભાજપ (BJP) ઉમેદવાર કિરીટ પટેલ, કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરીયા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સહિત કુલ 16 ઉમેદવારોનું રાજકીય ભાવી નક્કી થશે. ભાજપ, કોંગ્રેસ, આપ ત્રણેય પક્ષોની શાખ દાવ પર લાગી છે.