દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ વચ્ચે દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો છે.  ભડકેશ્વર મહાદેવ મંદિર પાસેના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. સહેલાણીઓને દરિયાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.  પરંતુ તેમને રોકવા માટે કોઈ સુરક્ષા કર્મી મુકવામાં આવ્યો નથી. . આ તરફ પોરબંદરનો દરિયો પણ તોફાની બન્યો છે. ઈંદ્રેશ્વર મહાદેવ પાસેના દરિયામાં 8થી 10 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં ઉંચા મોજા ઉછળતા લોકોને દરિયામાં ન જવાની અપીલ કરાઈ છે.  વલસાડના તિથલ દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે. 


દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખંભાળિયામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.  આ તરફ ભાણવડ તાલુકામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભાણવડ સહિત જામપર, બતડિયા, ઘુમલી સહિત ઉપરવાસના ગામોમાં વરસાદ પડ્યો છે. દ્વારકા ખંભાળિયા હાઈવે સહિત શિવરાજપુર અને સમગ્ર ઓખા પંથકના ગામોમાં વરસાદ થતા ખેડૂતો ખુશ થયા છે. 


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં તમામ જિલ્લામાં મેઘમહેર 


ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 176 તાલુકાઓમાં નોંધાયો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણામાં નોધાયો છે. અહીં 8 ઈચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બનાસકાંઠાના દિયોદરમાં પણ 8 ઈંચ વરસાદ નોંધાયો છે.


ક્યાં છે અતિભારે વરસાદની આગાહી


દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ અને નવસારીમાં આગામી મંગળવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ,દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.