Gujarat Rain Update: જુનાગઢના આણંદપુર વિસ્તારમાં ભારે વરસાદને પગલે ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. હાલમાં તંત્રએ આગમચેતી રૂપે નીચાણવાળા ગામોને એલર્ટ કરી દીધા છે. નદીના પટમાં અવરજવર કરવાની તંત્ર દ્વારા મનાય કરવામાં આવી છે. આણંદપુર, રાયપુર, સુખપુર, નાગપુર સહિતના ગામને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


 



નોંધનિય છે કે, જુનાગઢ શહેર તેમજ આજુબાજુના વિસ્તારના ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. જુનાગઢ શહેરના દોતલપરા, ખામધ્રોલ રોડ, બસ સ્ટેન્ડ રોડ, રેલ્વે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે અનેક રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે. જુનાગઢ શહેર ઉપરાંત ગ્રામ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કોયલી, વાડલા, શાપુર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે વરસાદ વરસતા ખેડુતોમાં ખુશીની લાગણી છવાઈ છે.


આ માંગરોળ તેમજ ચોરવાડ પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ચોરવાડ સહિતના દરીયાઇ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. જુજારપર, કુકસવાડા, લાગોદ્રા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ભારે પવનના કારણે સોમનાથથી દ્વારકા તરફ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં તમામ જિલ્લામાં મેઘમહેર 


ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 176 તાલુકાઓમાં નોંધાયો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણામાં નોધાયો છે. અહીં 8 ઈચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બનાસકાંઠાના દિયોદરમાં પણ 8 ઈંચ વરસાદ નોંધાયો છે.


ક્યાં છે અતિભારે વરસાદની આગાહી


દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ અને નવસારીમાં આગામી મંગળવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ,દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.