Lok Sabha Elections 2024: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે અભદ્ર ટિપ્પણી કરી હતી તેથી ક્ષત્રિય સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો અને ક્ષત્રિયસમાજના લોકોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી હતી પરંતુ ભાજપે રૂપાલાની ટિકિટ રદ કરી નથી જેના પગલે હવે ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપનો વિરોધ શરૂ કર્યો છે. આ દરમિયાન નર્મદાના ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોએ રાજીનામાં ધરી દેતા હડકંપ મચ્યો છે.


ગોપાલપુરા ગામ ખાતે રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરૂધ્ધ પ્રચાર અંગે મિટિંગ યોજવામાં આવી હતી. મીટિંગના ભાજપાના વિવિધ હોદ્દેદારોએ તેમના પદ પરથી ક્ષત્રિય સમાજના હિતમાં અને રૂપાલાની ટિકિટ રદ નહીં કર્યાના વિરોધમાં રાજીનામાં આપ્યા હતા. આ હોદ્દેદારોના પદ ત્યાગ સામે બલિદાન એળે નહીં જાય. રજપૂત સમાજે પડખે રહેવાની ખાત્રી આપી હતી. જોકે રવિવારે સાંજે 5 વાગે ગોપાલપુરા ગામ ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન પણ યોજવામાં આવશે.


કોણે કોણે આપ્યા રાજીનામા


રાજપાલસિંહ ગોહિલ આઈ ટી સેલ કો કન્વીર નર્મદા જિલ્લો, અજીતસિંહ ગોપાલસિંહ મંત્રી, કિસાન મોરચા ,રાજેન્દ્રસિંહ ગોહિલ - સ્પોર્ટસ સેલ કન્વીનર, નર્મદા, પુષ્પરાજસિંહ ગોહિલ , મંત્રી,યુવા મોરચા ,જયવીર સિંહ ગોહિલ ,યુવા મોરચાએ રાજીનામા આપ્યા છે.





લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિયો વિરુધ્ધ ટિપ્પણી કર્યા પછીય પરષોત્તમ રૂપાલાની તરફેણ કરવી ભાજપ માટે અઘરૂ સાબિત થઈ રહ્યું છે. જો ક્ષત્રિયો એકતરફી ભાજપ વિરૂધ્ધ મતદાન કરે તો પરિણામ પરં ભલે અસર થાય નહીં પણ ભાજપને ધાર્યો લક્ષ્યાંક પાર પડી શકે નહીં. આ જોતાં હવે ભાજપ ક્ષત્રિયોના મનામણા માટે ધમપછાડા કરી રહ્યુ છે. એટલુ જ નહીં, ક્ષત્રિયો પીછેહટ કરવાના મતમાં નથી એટલે ભાજપ હાઈકમાન્ડે હવે ભાજપ તરફી ક્ષત્રિય ધારાસભ્યો, નેતાઓ પર પર દબાણ કરી સૂચના આપી છે કે, પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી. હવે પક્ષનું કરજ ચૂકવો.


રૂપાલાની ટિકિટ રદ ન કરતાં હવે ક્ષત્રિય આંદોલન પાર્ટ-રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, અંબાજીમાં ધર્મયાત્રા શરૂ થઈ ચૂકી છે જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયોનો જનસમૂહ ઉમટી પડયો છે. આ ઉપરાંત શહેરો તો ઠીક, ગ્રામ્ય સ્તરે પણ ક્ષત્રિયોનો વિરોધ વંટોળ યથાવત રહ્યો છે. ક્ષત્રિય આંદોલન પાર્ટ-રનિ આક્રમકતા બાદ ભાજપ પ્રદેશ નેતાગીરી દોડતી થઈ છે.


છેલ્લા ત્રણ-ચાર દિવસથી પ્રદેશ મહામંત્રી રત્નાકર-ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આણંદથી માંડીને કચ્છ સુધી ક્ષત્રિય નેતાઓ સાથે બંધબારણે બેઠક કરી મનામણાંના પ્રયાસો કર્યા હતાં પણ હજુ કઈ મેળ પડતો નથી.