ગાંધીનગરઃ કોરોના વાયરસના વધતાં જતા ખતરાને પગલે ગુજરાત સરકારે 31 માર્ચ સુધી શાળા અને કોલેજ બંધ રાખવા આદેશ કર્યો છે. જો કે આ રાહત માત્ર વિદ્યાર્થીઓને મળશે કેમ કે સરકારે સ્પષ્ટતા કરી છે કે, શિક્ષકો તથા અન્ય સ્ટાફને રજા નહીં મળે.


શાળાઓ અને કોલેજોમાં શિક્ષકો અને સ્ટાફે ઓફિસમાં હાજર રહેવું પડશે તેવો સ્પષ્ટ આદેશ સરકારે કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજની આંતરિક પરીક્ષા પણ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે પણ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે. ગુજરાત સરકારનાં આ નિર્ણયને શાળા સંચાલકોએ સ્વીકારીને આવકાર્યો છે પણ શિક્ષકો અને સ્ટાફમાં આ નિર્ણયથી અસંતોષ છે.



શૈક્ષણિક સત્ર પૂરું થઈ ગયું છે ત્યારે શિક્ષકો અને સ્ટાફ પાસે બીજી કોઈ કામગીરી રહી નથી. રાજ્ય સરકારે આંતરિક પરીક્ષા પણ મોકૂફ રાખી છે ત્યારે શિક્ષકો તથા અન્ય સ્ટાફે વગર કામે શાળા-કોલેજોમાં બેસી રહેવું પડશે. આ કારણે શિક્ષકો તથા અન્ય સ્ટાફ નિરાશ થઈ ગયો છે.