ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના કેસ (Gujarat Corona Cases) પર કાબુ મેળવી લેવાયો છે. દૈનિક કોરોના કેસમાં નોંધનીય ઘટાડો થઈ રહ્યો છે. જેને લઈ આજ રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Vijay Rupani) અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં  મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. રાજ્યમાં  ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યમાં બાગ-બગીચા, જીમ, લાયબ્રેરી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


મુખ્યમંત્રીની કોર કમિટીની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા



  • રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે ૧૧ જૂન 2021 થી ૨૬ જૂન ના સમય દરમિયાન સવારે ૯ થી સાંજે ૭ સુધી તેની બેસવાની ક્ષમતા ના ૫૦ % સાથે ચાલુ રાખી શકાશે.

  • ટેકઅવે રાત્રે ૯ સુધી અને હોમ ડિલિવરી રાત્રે ૧૨ વાગ્યા સુધી થઈ શકશે

  • રાત્રી કર્ફ્યુનો અમલ તારીખ 11 જૂન રાત્રે ૯ થી તારીખ ૨૬ જુન ૨૦૨૧ ના સવારે ૬ વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી કરવાનો રહેશે

  • તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે ૯ થી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે એટલે કે હાલની સમયમર્યાદામાં ૧ કલાકનો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે

  • વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતા ના ૫૦ ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે ૬થી સાંજે ૭ સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે.

  • જીમ્નેશિયમ ૫૦ ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ,.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે.

  • રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS-TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીશ્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે

  • રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ ૫૦ વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે

  • રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે ૫૦થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે

  • શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે


કોણ કોણ બેઠકમાં રહ્યું હાજર


 આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી  નીતિન  પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ,  મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ કૈલાસનાથન, ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ સહિત વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા