રૂપાણી સરકારે ગુજરાતની ક્યા રાજ્ય સાથેની એસ.ટી. બસ સેવા ચાલુ કરવા લીધો નિર્ણય ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Oct 2020 08:53 AM (IST)
આગામી દિવાળી સહિતના તહેવારો આવવાના છે ત્યારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પરવળે તેવી જાહેર પરિવહનની એસટી બસ સેવા મહારાષ્ટ્ર માટેની ચાલુ થતા મુસાફરોને રાહત મળી છે.
અમદાવાદઃ છેલ્લા સાત મહિનાથી બંધ ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચેની એસટી બસ સેવા આજથી શરૂ થશે. મહારાષ્ટ્રમાં અપ-ડાઉન બંને દિશામાં કુલ 242 ટ્રીપો ચાલુ કરી દેવાશે. ગુજરાતમાં એસટી નિગમના 16 વિભાગો પૈકી જૂનાગઢ સિવાયના બાકીના તમામ વિભાગોમાંથી બસો મહારાષ્ટ્ર તરફ દોડાવાશે. મહારાષ્ટ્રમાં અપ-ડાઉન બંને દિશામાં કુલ ૨૪૨ ટ્રીપો ચાલુ કરી દેવાશે. જેના થકી દૈનિક ૩૦, ૭૨૮ કિ.મી.નું સંચાલન હાથ ધરવામાં આવનાર છે. આ સંચાલન થકી દૈનિક ૧૨,૦૦૦ મુસાફરોને મુસાફરીનો લાભ મળશે. જૂનાગઢ વિભાગનું મહારાષ્ટ્ર તરફનું એસટી બસોનું શિડ્યુલ જ ન હોવાથી ત્યાંથી બસો નહીં દોડી શકે. કોરોના સંક્રમણના કારણે હવે જાહેર પરિવહન સેવાઓ ધીમે ધીમે ગતિ પકડી રહી છે. ગુજરાતમાં તબક્કાવાર એસટી બસ સેવા ચાલુ કરાયા બાદ આંતરરાજ્યમાં રાજસ્થાન તરફની બસો ચાલુ કરી દેવામાં આવી હતી. મધ્ય પ્રદેશમાં બસો ચાલુ કરવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. આગામી દિવાળી સહિતના તહેવારો આવવાના છે ત્યારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પરવળે તેવી જાહેર પરિવહનની એસટી બસ સેવા મહારાષ્ટ્ર માટેની ચાલુ થતા મુસાફરોને રાહત મળી છે. સારા-નરસા પ્રસંગોએ અથવા છેલ્લી ઘડીના પ્રવાસે જવા માંગતા મુસાફરોને આંતરરાજ્ય બસ સેવા ચાલુ થતા મોટી રાહત મળી જશે.