Sabarkantha: સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવાર વિરૂદ્ધ આક્રોશ યથાવત છે. સાબરકાંઠા બેઠક પર ભાજપે ડેમેજ કંન્ટ્રોલની કવાયત શરૂ કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હિંમતનગર પહોંચ્યા હતા. હિંમતનગરના મહેતાપુરામાં નારાજ નેતાઓ સાથે હર્ષ સંઘવી બેઠક કરશે. હર્ષ સંઘવી હિંમતનગર બાદ અરવલ્લીનો પ્રવાસ કરશે.


ડેમેજ કંટ્રોલ માટે સી.આર. પાટીલ પણ ચાર એપ્રિલે સાબરકાંઠાનો પ્રવાસ કરશે. હર્ષ સંઘવી ભીખાજી ઠાકોરને પણ મળશે. સાબરકાંઠા અને અરવલ્લીના પદાધિકારીઓ સાથે પણ બેઠક કરશે. શોભનાબેન અને મહેંદ્રસિંહ સાથે પણ તેઓ મુલાકાત કરશે.


સાબરકાંઠામાં પ્રદેશ ભાજપે ડેમેજ કન્ટ્રોલની શરૂઆત કરી દીધી છે. આ જ કવાયતના ભાગરૂપ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રવાસે નીકળી ચુક્યા છે. હર્ષ સંઘવીએ સાબરકાંઠા જિલ્લા પ્રમુખના નિવાસસ્થાને બેઠકથી આ ડેમેજ કન્ટ્રોલની શરૂઆત કરી છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને યોજાયેલ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જે.ડી.પટેલ, મહામંત્રી વિજય પંડ્યા, લોકસભા કલસ્ટર પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, કૌશલ્યા કુંવરબા, રેખાબેન ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.


સાબરકાંઠા બાદ સંઘવી આ જ લોકસભા બેઠકને અંતર્ગત આવતા અરવલ્લીના મોડાસાના પ્રવાસે પણ પહોંચવા હોવાની જાણકારી મળી છે. સંઘવી બંન્ને જિલ્લાના સંગઠનના પદાધિકારીઓ અને નારાજ નેતા અને કાર્યકર્તા સાથે દિવસભર બેઠક કરવાના છે. અગાઉ જેમના નામની સાબરકાંઠાના ઉમેદવાર તરીકે જાહેરાત કરી હતી તે ભીખાજી ઠાકોરના સમર્થકો છેલ્લા ચાર દિવસથી ભીખાજીના સ્થાને જેમને ઉમેદવાર બનાવાયા છે તેવા શોભનાબેન બારૈયાનો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ વિરોધને ખાળવા પક્ષ તરફથી પ્રદેશ કાર્યાલય પર ભીખાજી ઠાકોરને સુચના અપાઈ હતી.  જો કે તેમ છતાં ભીખાજીના સમર્થકો એ વિરોધ યથાવત રાખતા હર્ષ સંઘવીને મેદાને ઉતારાયા છે.  


વિધાનસભા બેઠક પર ડેમેજ કન્ટ્રોલ કરવામાં ભાજપને સફળતા


ઉમેદવારો જાહેર કર્યા બાદ પક્ષમાં જ ઉઠેલા વિરોધના સૂરને ડામવા માટે પ્રદેશ ભાજપે તમામ ક્ષેત્રે ડેમેજ કન્ટ્રોલ શરૂ કર્યું છે. વિજાપુર વિધાનસભા બેઠક પર ડેમેજ કન્ટ્રોલ કરવામાં ભાજપને સફળતા પણ મળી છે. કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા સી.જે.ચાવડાને ઉમેદવાર જાહેર કરતા નારાજ થયેલા સ્થાનિક નેતાઓને સમજાવવામાં ભાજપ સફળ થયું છે.પક્ષના પ્રદેશ મહામંત્રી રજની પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીએ મોરચો સંભાળતા જ વિજાપુરમાં વિરોધ શાંત પડ્યો છે. સી.જે.ચાવડાની ઉમેદવારી પર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ પટેલે નારાજગી વ્યક્ત કરીને પક્ષના પ્રાથમિકસભ્ય પદેથી રાજીનામું આપી દીધુ હતુ. ત્યારે રજની પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીએ ગોવિંદભાઈ સાથે બેઠક કરીને તેમની નારાજગીને દૂર કરી હતી.