Unseasonal Rain :રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, વલસાડમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. સેલવાસના છેવાડાના વિસ્તારોમાં માવઠું થયું હતું. કિલવની, ઉમરકુઈ, સીલી સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. ઝરમર વરસાદથી કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું


તો આ તરફ તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ નોંધાયો હતો. સોનગઢ શહેર અને કેટલાક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઘૂટવેલ, મશાનપાડા, ટાપરવાડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.


દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાતાવરણને લઈને ધરતી પુત્રોમાં ચિંતા ફેલાઇ હતી. છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારે આઠ વાગે છોટાઉદેપુરમાં વરસાદ વરસ્યો હતો.


'સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના અનુસાર, આગામી બે દિવસ ગરમીનો પારો ઉંચકાશે. બનાસકાંઠા અને આણંદ જિલ્લામાં હીટવેવ રહેશે. હવામાન વિભાગના મતે બનાસકાંઠા અને આણંદ જિલ્લામાં રાત્રે પણ ઉકળાટભર્યું વાતાવરણ રહેશે. અમદાવાદમાં આજે તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી જવાનું અનુમાન છે. જો કે ગરમીની બચવા લોકો ઠંડા પીણાાનો સહારો લઈ રહ્યા છે.


દેશના કેટલાક ભાગોમાં હીટવેવની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય ભારતના કેટલાક રાજ્યો હીટવેવનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાયલસીમાના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ યથાવત છે. 28 માર્ચે મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો જોવા મળી શકે છે.


મધ્યપ્રદેશના ગુના શહેરમાં 28 માર્ચે મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સાગર શહેરમાં મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી નોંધાયું હતું. આ બંને શહેરોમાં તાપમાન સામાન્ય કરતા 5 ડિગ્રી વધુ નોંધાયું હતું. જ્યારે મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના અકોલાની વાત કરીએ તો મહત્તમ તાપમાન 42.6 ડિગ્રી નોંધાયું હતું. રાયલસીમા પ્રદેશમાં પણ ગરમી સતત પાયમાલ કરી રહી છે, કુર્નૂલ અને નાંદયાલ જેવા શહેરોમાં અનુક્રમે 41.9 ડિગ્રી સેલ્સિયસ અને 42.0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.