Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. દરેક પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. સરકાર દ્વારા લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. લોકશાહીના આ સૌથી મોટા ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તે જરૂરી છે. હવે આ કડીમાં સાધુ સંતોએ પણ મતદાન માટે લોક જાગૃતિ લાવવા મેદાને આવ્યા છે. જૂનાગઢના સાધુ સંતો દ્વારા મતદાનને પ્રોત્સાહન આપવા દ્વારા સાઇકલ રેલી યોજવામાં આવી હતી. મતદાન જાગૃતિ અંગે રેલીના વીડિયો સામે આવ્યા છે. જૂનાગઢના ભવનાથથી કાળવા ચોક સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સાધુ સંતો જોડાયા હતા. આ તમામ સાધુ સંતોએ લોકોને વધુ મતદાન કરવા અપીલ કરી હતી.


અશોક ગેહલોતે માર્યો ટોણો


ગુજરાત વિધાનસભાની ચૂંટણને લઈને વાતાવરણ ગરમાયું છે. એક બાદ એક નેતા વિરોધી પાર્ટીઓ પર વાર પર વાર કરી રહ્યા છે. હવે આ કડીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે રાજકોટ ખાતે બીજેપી પર પ્રહાર કર્યા છે. રાજકોટમાં અશોક ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટી અને બીજેપીને આડે હાથ લીધી હતી.


તેમણે કહ્યું કે, ભાજપની ગૌરવ યાત્રા નિષ્ફળ ગઈ છે. કેજરીવાલ અહીંયા આવીને ખોટા વાયદાઓ કરે છે. ગુજરાત સરકાર આખી બદલવી પડી. મોરબી દુર્ઘટનામાં કોઈ ખાસ એક્શન લેવામાં નથી આવ્યા. પીએમ મોદીને અહીંયા દર અઠવાડિયે આવવું પડે છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રાથી ભાજપ બોખલાયું છે. મેઘા પાટકર અંગે પીએમના નિવેદન અંગે પણ અશોક ગેહલોતે નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું કે, આ કોઈ કોંગ્રેસની યાત્રા નથી. અમે મેઘા પાટકરને રોકી ના શકીએ. તેઓ એનજીઓ તરીકે આવ્યા હતા. તેઓ આ યાત્રામાં રાહુલ ગાંધીને મોરલ સપોર્ટ કરવા માટે આવ્યા હતા. મોંઘવારી અંગે વાત કરવી જોઈએ. ભાજપના પોતાના જ રાજ્યમાં આવી ખરાબ સ્થિતિ છે.


ડભોઈમાં કોંગ્રેસને લાગ્યો ઝટકો


  વિધાનસભા ચૂંટણી પહેલા ડભોઇ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. 500 આદિવાસી યુવકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. બીજેપીના નેતા શૈલેષ મહેતા પ્રચારમાં નીકળ્યા ત્યારે આ તમામ યુવાનોએ ખેસ ધારણ કર્યો હતો. ડભોઇ કોંગ્રેસને એક બાદ એક મોટા ઝટકા લાગી રહ્યા છે. ભાજપમાંથી આવેલા બાલકૃષ્ણ પટેલનો વિરોધ આદિવાસીઓમાં પણ દેખાયો છે. સ્થાનિકોને પૂરતી સુવિધાઓ ના મળતા આદિવાસીઓએ શૈલેષ મહેતાના હાથે  કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. બનૈયા, થુવાવી, અંબાવના આદિવાસી સમાજના 500 યુવકોએ કેસરીયો ધારણ કર્યો હતો. આ અવસરે શૈલેષ મહેતાએ મેઘા પાટકરને લઈને પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે,  આદિવાસી સમાજના અગ્રણી ઘણો તો બિરસા મુંડા મહાન હતા. મેઘા પાટકર આદિવાસી સમાજને ઘેર માર્ગે દોરી રહ્યા હોવાની વાત તેમણે કરી. સાસણમાં આદિવાસી સમાજને અને વસાહતોને પાયાની પણ સુવિધા ન મળી રહી હોવાની વાત બીજેપી નેતા શૈલેષ મહેતાએ કરી હતી.