Salangpur Controversy: દેશના સુપ્રસિદ્ધ અને લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં સ્થાપિત કરાયેલા કિંગ ઓફ સાળંગુપરની વિશાળ પ્રતિમા નીચે ભીંત ચિત્રોમાં હનુમાનજી મહારાજને સહજાનંદ સ્વામીના દાસ તરીકે દર્શાવવામાં આવતા હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ દરમિયાન આવતીકાલે સવારે 10 કલાકે અમદાવાદમાં સંતો ભેગા થશે. અમદાવાદના ભારતી આશ્રમ, સરખેજ, લંબે હનુમાન મંદિરે સંતો એકઠા થશે. ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રથી સંતો આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
અજાણ્યા હનુમાન ભક્ત દ્વારા ભીંત ચિત્રો પર કાળો કલર મારવામાં આવ્યો
સાળંગપુર હનુમાનજી વિવાદિત ચિત્રો પર કોઈ અજાણ્યા હનુમાન ભક્ત દ્વારા કાળો કલર મારવામાં આવ્યો હતો. જેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. કાળો કલર મારનાર કોણ વ્યક્તિ છે, શું કારણ હતું તેની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. ઘટનાના પગલે ડી.વાય.એસ.પી. ઘટના સ્થળે પહોંચ્યા હતા.
સાંસદ રામ મોકરિયાનું નિવેદન
સાળંગપુર વિવાદને લઇને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, હું મારૂતિનો ભગત છું, તેનું સન્માન જળવાવું જોઇએ. મંદિરનો પુજારી હોય તો તેને પુજારી તરીકે રહેવાય, એ એમ કહે કે હું ભગવાન છું તે ન ચાલે. સ્વામિનારાયણસંપ્રદાયના લોકોએ વિવાદથી દૂર રહેવું જોઇએ. લોકોની આસ્થાને ઠેસ પહોંચે એવા ભીંતચિત્રો દૂર થવા જોઇએ. શંકરાચાર્યથી કોઇ મોટું નથી તેની અપીલ સૌ લોકોએ માનવી જોઇએ. હિન્દુ સમાજમાં ભાગ પડે અને અન્ય લોકોને તેનો લાભ થાય તેવું ન કરવું જોઇએ.
નૌતમ સ્વામીએ શું કહ્યું ?
નૌતમ સ્વામીએ આ વિવાદિત ભીંતચિત્રો પર કહ્યું હતું કે આખો સ્વામીનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ એનાથી ભરેલો છે. કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો યોગ્ય ફોરમ ઉપર જઈને વાત કરી શકે છે. કેટલાક લોકો આનાં સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. તો કોર્ટમાં એનો યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયનાં કોઈ વ્યક્તિએ જરૂર નથી. આ ઉપરાંત વધુમાં તેણે કહ્યું કે સ્વામિનારાયણ એ ભગવાન છે જે લોકો નથી માનતા એ લોકોને આનાથી તકલીફ થઈ રહી છે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ આનાથી નિરાશ થવાની કોઈ જરૂર નથી.
કરણી સેના સારંગપુરમાં કરશે હલ્લા બોલ
સાળંગપુર વિવાદનો સુરત ખાતે સનાતની હિન્દૂ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ભીંત ચિત્રોને લઈને સાધુ-સંતો, વિશ્વ હિન્દુ પરિષદ બાદ કરણી સેના પણ મેદાને આવી છે. કરણી સેનાના રાજ શેખાવતે 4 સપ્ટેમ્બર સુધીમાં ચિત્ર હટાવી લેવા માટે અલ્ટીમેટ આપ્યું છે. 4 સપ્ટેમ્બર સુધી ચિત્ર હટાવવામાં નહીં આવે તો કરણી સેના સાથે સુરતના સંગઠન પણ સાળંગપુર પહોંચશે.
બોટાદના રોકડીયા હનુમાનજી મંદિરના મહંત અને અખીલ ભારતીય પંચ રામાનંદી અખાડાના મહંત પરમેશ્વર મહારાજે ચીમકી આપી છે કે, 24 કલાકમાં ભીત ચિત્રો નહી હટાવવામાં આવે તો હથિયાર ધારણ કરી કૂચ કરવામાં આવશે.