બોટાદ: આજે વહેલી સવારથી જ બોટાદ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે બોટાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. બોટાદ શહેરના સાળંગપુર રોડ પરના અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે.
અંડર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ
સાળંગપુર રોડ પરના અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા આ અંડર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. અંડર પાસની બંને બાજુ બેરીકેટ લગાવવામાં આવ્યા છે. બેરીકેટ સાથે અંડર બ્રિજમાં કોઈ પસાર ન થાય તેને લઈ પોલીસ તૈનાત કરાઈ છે. શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અંડર પાસમાં ડામરનું ધોવાણ થયું છે.
બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બોટાદ કલેક્ટર દ્રારા આવતીકાલ સવારે 6 વાગ્યા સુધી બોટાદ જિલ્ માં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના વરસેલા ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયા છે. બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જેન્સી રોય દ્રારા માહિતી આપવામાં આવી છે. બોટાદમાં 15 ઈંચ વરસાદ વરસ્યો છે. રાણપુરમાં 5 અને બરવાળામાં 9 ઇંચ જ્યારે ગઢડામાં 14 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
લાઠીદડ પાસે ભયંકર વહેણમાં ઇકો કાર ફસાઈ ગઈ હતી. જિલ્લા વહીવટી તંત્રની ત્વરિત કાર્યવાહીથી 2 લોકોના જીવ બચાવાયા છે. જ્યારે 1 મૃતદેહ મળી આવ્યો છે. બરવાળા તાલુકામાં સતત ધોધમાર વરસાદ થતા ઉતાવળી નદી બે કાંઠે વહેતી થઈ છે. પાણી પુલ પર ફરી વળતા વાહનવ્યવહારને અસર થઇ છે. ધંધુકા તરફ જવાનો એક તરફનો પુલ બંધ કરાયો છે. પુલ પર એક તરફથી જ તમામ વાહનોની અવરજવર થઇ રહી છે. ખાંભડા ડેમના 4 દરવાજા ખોલાયા છે. ભારે વરસાદથી ડેમમાં સતત નીરની આવક થઇ રહી છે. ડેમના 4 દરવાજા 0.90 મીટર સુધી ખોલવામાં આવ્યા. ડેમમાંથી પાણી ઉતાવળી નદીમાં છોડાયું.
બરવાળા પંથકમાં સતત વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં વાવેલ પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરોની પ્રોટેક્શન દિવાલો તોડી પાણી વહી રહ્યા છે. વાવેતર કરાયેલા લીંબુના છોડ અડધા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બરવાળા પંથકમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે.
બોટાદ પંથકમાં ખેડૂતો કપાસ, એરંડા જેવા પાકનું વાવેતર કર્યા બાદ મેઘ મહેરની આસ લઈ બેઠા હતા ત્યારે 2 દિવસનો સતત વરસાદ મેઘ મહેરાના બદલે કહેર સાબિત થયો છે. ખેડૂતોના મોંઘા પાકને મસમોટા નુકસાનની ભીતિ સતાવી રહી છે.