Sardar Sarovar Dam: ઉપરવાસમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 136 મીટરને પાર પહોંચી છે. બપોરે 12 વાગ્યે 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 1 લાખ 45 હજાર ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક 9 લાખ 38 હજાર 060 ક્યૂસેક છે. 3 કલાકમાં સરેરાશ આવક 6 લાખ 82 હજાર 791 ક્યૂસેક છે. 


રિવરબેડ પાવરહાઉસમાંથી 41 હજાર 919 ક્યૂસેકની જાવક છે. પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, એટલે કે સંપૂર્ણ ડેમ ભરાવામાં 3.26 મીટર બાકી છે. પાણીની ધરખમ આવકથી ડેમ છલોછલ થાય તોપણ નવાઈ નહીં.





સરદાર સરોવર નર્મદા ડેમ બપોરના 3 કલાકે 


પાણીની સપાટી - 136.88 મીટર
મહત્તમ સપાટી - 138.68 મીટર
પાણીની આવક - 11,68,235 ક્યૂસેક


બપોરે 3 કલાકે 23 દરવાજા 2.95 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 5,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.  1 કલાકમાં પાણીની સપાટીમાં 25 સે.મી.નો વધારો. પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લી.તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહેલ છે.


ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.  ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.



ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક


દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે.  ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છે.  હાલ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 2 લાખ 86 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે.  ડેમની સપાટી 338.12 ફૂટ પર પહોંચી છે.  ડેમના સત્તાધીશો દ્વારા 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્રના હથનુર ડેમના 41 દરવાજા ખોલવામાં આવ્યા છે.  હથનુર ડેમમાંથી 3 લાખ 42 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે પાણી આગામી 30 કલાક સુધીમાં ઉકાઈ ડેમમાં આવશે. 


મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે.  ડેમમાં હાલ 19,444 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.  ડેમની જળ સપાટી 387.11 ફૂટ ઉપર પહોંચી છે. કડાણા ડેમ માટે 38 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો છે.  રાજસ્થાનમાં આવેલ બજાજ સાગર ડેમમાં પાણીની આવકને લઈ ડેમ ઓવરફ્લો થયો જેથી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે.  રાજસ્થાનના બજાજ સાગર ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે.  સાંજ સુધીમાં કડાણા ડેમની જળ સપાટીમાં વધારો થવાની સંભાવના છે.  ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે ડેમની જળ સપાટી વધતા મહીસાગર જિલ્લા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓને તેનો લાભ મળશે.