અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગે કાળઝાળ ગરમી અને હીટવેવને લઈ મોટી આગાહી કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. 9 એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. 5 એપ્રિલના રોજ કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમી ભૂક્કા બોલાવશે
સૌરાષ્ટ્રમાં પણ ગરમીનો પારો ઉંચકાશે. રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 6 એપ્રિલના રોજ કચ્છ અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વર્ષ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમી ભૂક્કા બોલાવશે. આ વર્ષે કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા,સાબરકાંઠા,મહેસાણા,પાટણ,જુનાગઢ,મોરબી જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. એપ્રિલ મહિનાની શરુઆત સાથે જ કાળઝાળ ગરમીની શરુઆત થઈ ગઈ છે.
8 એપ્રિલના રોજ કચ્છ ,રાજકોટ, પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. બનાસકાંઠા પાટણ, મહેસાણા,ગાંધીનગર,મોરબી,પોરબંદર જૂનાગઢ યલો એલર્ટ જાહેર કરાયું છે. 9 એપ્રિલ કચ્છ, રાજકોટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા પાટણ,મહેસાણા,ગાંધીનગર, પોરબંદર,ગાંધીનગર યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
કચ્છ જિલ્લામાં ઉચ્ચતમ તાપમાન 40 થી 42 ડિગ્રી રહેશે. અમદાવાદ જિલ્લામાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં 3 સિસ્ટમ સક્રિય થતા ગરમીનો પારો ઉંચકાયો છે.
8 જિલ્લામાં ભારે ગરમી પડશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગુજરાતના ભુજમાં 43, નલિયા 40, અમરેલી 41, ભાવનગર 39, દ્વારકા 30, ઓખા 32, પોરબંદર 37, રાજકોટ 43, વેરાવળ 32, સુરેન્દ્રનગર 43, મહુવા 33, કેશોદ 11, અમદાવાદ 41,ડીલા 40, વલ્લભ વિદ્યાનગર 40, બરોડા 39, સુરત 34 અને દમણ 35 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.
દેશના ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં ભીષણ ગરમી અને હીટવેવએ પોતાની અસર બતાવવાનું શરૂ કરી દીધું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી છ દિવસ માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ગુજરાત, કોંકણ અને ગોવામાં 10 એપ્રિલ સુધી તીવ્ર હીટવેવ અને ગરમ પવનોની આગાહી કરી છે. આના કારણે ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.
આ ઉપરાંત, ઓડિશા, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને ઉત્તર-પૂર્વ ભારતના તમામ 8 રાજ્યોમાં વાવાઝોડા, ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આવી સ્થિતિમાં લોકોને ગરમીથી રાહત મળી શકે છે, પરંતુ આ વખતે દિલ્હી-એનસીઆરમાં ભારે ગરમી પડવાની શક્યતા છે.