Scholarship fraud: સાવરકુંડલાની શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણ જગતમાં લૂંટનો એક નવતર કિસ્સો આવ્યો સામે આવ્યો છે. જ્યાં વાલીઓની જાણ વગર વિદ્યાર્થીઓને બેંકે લઈ જઈને શૈક્ષણિક સંસ્થાના સંચાલકો દ્વારા બેન્ક એકાઉન્ટમાંથી રાજ્ય સરકારની સ્કોલરશીપના પૈસા ઉપાડી લીધા છે. 


સાવરકુંડલાની એમ.એલ.શેઠ ઈંગ્લીશ સ્કૂલ ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. ધોરણ 11/12 માં જી નીટની સ્કોલરશીપ સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે સમાજ સુરક્ષા દ્વારા આ વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં સીધી 20 હજાર રૂપિયાની રકમ જમા કરવામાં આવી હતી ત્યારે 11 અને 12 સાયન્સના 8 જેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપની રકમ તેમના એકાઉન્ટમાં આવી હતી. 


વિદ્યાર્થીઓને લઈ શાળા સંચાલકો બેન્કમાં પહોંચ્યાઃ


વાલીઓ જણાવી રહ્યા છે એડમીશન વખતે વાર્ષિક ₹30,000 વિદ્યાર્થીઓની એડમિશન સમયે ફી ભરી છે. ત્યારે સંસ્થાની લોભામણી સ્કીમ વાલીઓને આપી અને જીનીટના ક્લાસીસ ફ્રીમાં કરાવવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી વાલીઓએ પોતાના બાળકોની સ્કોલરશીપ માટેના ફોર્મ ભર્યા હતા. શાળાના 8 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી હતી ત્યારે વાલીને જાણ વગર વિદ્યાર્થીઓને શાળા સંચાલકો દ્વારા બેંકમાં લઈ જઈને વિડ્રોવલ ફોર્મ ભરાવી તમામ વિદ્યાર્થીઓની સહી લઈને પાંચ પાંચ હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાંથી ઉપાડી લેવામાં આવ્યા હતા.


વાલીઓનો શાળા ઉપર આ છે આરોપઃ


વાલીઓએ આરોપ લગાવ્યો છે કે વિદ્યાર્થીઓને દબાવીને વાલીઓની જાણ વગર વિદ્યાર્થીઓને બેંકમાં લઈ જવામાં આવ્યા અને ત્યાંથી વિદ્યાર્થીના એકાઉન્ટમાંથી પાંચ પાંચ હજાર રૂપિયા લઈ લેવામાં આવ્યા જ્યારે વિદ્યાર્થી ઘરે આવે છે ત્યારે વાલીઓને આ બાબતની જાણ થાય છે ત્યારે વાલીઓ આ શિક્ષણમાં એક ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીઓના ખોલવામાં આવેલા એકાઉન્ટની પાસબુક અને ચેકબુક પણ વાલીઓને પાસે નથી ને તે સંસ્થાના સંચાલકો પાસે રાખવામાં આવી છે. આ બાબતે વિદ્યાર્થીઓના વાલી પ્રિન્સિપાલ ને રૂબરૂ રજૂઆત કરવા આવ્યા પરંતુ સંતોષકારક જવાબ મળ્યો નથી. માત્ર ગોળ ગોળ વાત કરીને વિદ્યાર્થીના વાલીને રફુચક્કર કરવામાં આવ્યા હતા.


શાળાના પ્રિન્સિપાલે શું કહ્યું?


એમએલ શેઠ સ્કૂલના પ્રિન્સિપલને આ બાબતે મીડિયાએ સવાલ કરતા તેઓ કહી રહ્યા છે કે, વિદ્યાર્થીઓને ગુજકેટ નિટ તૈયારી કરાવવામાં આવી રહી છે તે ની ફી પેટે પૈસા લેવામાં આવ્યા છે. શાળાના વિદ્યાર્થીઓની ચેકબુક અને પાસબુક શાળા પાસે રાખી છે અને તે સંસ્થાની સિક્યુરિટી માટે છે તેવું આ સંસ્થાના પ્રિન્સિપાલ જણાવી રહ્યા છે.