School Van Strike: રાજ્યમાં સ્કૂલો શરૂ થઇ ચૂકી છે, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. આજે રાજ્યમાં મોટાભાગના શહેરોમાં સ્કૂલ વેનના ચાલકો હડતાળ પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે, આરટીઓ અને સ્કૂલ વેન એસોસિએશનની લડાઇમાં હવે વિદ્યાર્થીઓ પરેશાન થયા છે. બન્ને વચ્ચેની લડાઇનો કોઇ અંત ના આવતા આજે સમગ્ર રાજ્યમાં સ્કૂલ વેન ચાલકો હડતાળ પર ઉતર્યા છે.


આજે રાજ્યમાં મોટાભાગના શહેરમાં સ્કૂલ વેન અને રિક્ષા નહીં દોડે, આજથી સ્કૂલ વેનના ચાલકો હડતાળ પર ઉતર્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા સહિતના શહેરોમાં સ્કૂલ વર્ધી એસોસિએશને હડતાળ બોલાવી છે. જોકે, આનાથી ઊંઘુ દક્ષિણ ગુજરાતના અમૂક શહેરોમાં જોવા મળ્યુ છે. તાપી જિલ્લામાં સ્કૂલ વર્ધી એસોસિએશનનું હડતાળને સમર્થન નથી. 


રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી RTO વિભાગની કામગીરીનો વિરોધ ચાલી રહ્યો છે, RTO-સ્કૂલ વેન એસોસિએશનની આ લડાઈમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન થઇ રહ્યાં છે. સ્કૂલ વેન ચાલકો મનમાની કરતાં હોવાનું પણ વાલીઓ દ્વારા આરોપો લગાવવામાં આવી રહ્યાં છે. ખાસ વાત છે કે, નિયમોના પાલન માટે RTO સમય ના ફાળવતા વિરોધ શરૂ થયો હતો, આ વિરોધ બાદ આજથી હડતાળ પાડવામાં આવી છે, સ્કૂલ વેન એસોસિએશને સરકાર પાસે ત્રણ મહિનાનો સમય માંગ્યો છે. હડતાળના કારણે વિદ્યાર્થીઓને વાલીઓએ પોતાના વ્હીકલ પર સ્કૂલમાં મૂકવા જવા માટે મજબૂર થવું પડ્યુ છે.