અમદાવાદઃ સી પ્લેનને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કહેવાય છે કે, સી પ્લેન હવે સપ્તાહના સાતેય દિવસ નહીં પણ માત્ર પાંચ દિવસ જ ઉડાન ભરશે. એરક્રાફ્ટના મેઇન્ટેનન્સને કારણે સી પ્લેન ૪-૫ નવેમ્બરના બંધ રહેશે. બીજું એરક્રાફ્ટ આવે નહીં ત્યાં સુધી સી પ્લેન આ જ રીતે સપ્તાહમાં બે દિવસ બંધ રાખવામાં આવે તેવી સંભાવના છે.

સી પ્લેન સપ્તાહના તમામ ૭ દિવસ દરમિયાન ઉડાન ભરશે તેવો એરલાઇન્સ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેમ શક્ય બને તેની સંભાવના નહિવત્ છે. જાણકારોના મતે સી પ્લેનને કોઇ નક્કર આયોજન વિના જ શરૂ કરવામાં આવી દેવાયું હોય તેવી માન્યતા હવે દ્રઢ બની રહી છે.

દરમિયાન સી પ્લેન શરૂ થયાના ત્રીજા દિવસે આજે પ્રથમવાર અમદાવાદ અને કેવડિયાથી બે-બે એમ ચાર ફ્લાઇટ ઓપરેટ થઇ હતી. જેમાં અમદાવાદથી રવાના થયેલી તમામ ૧૫ મુસાફરોથી પેક હતી. પરંતુ બંને ફ્લાઇટ કેવડિયાથી આવી ત્યારે તેમાં ૬૦ ટકા મુસાફરો હતા.