દાહોદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે, ત્યારે દાહોદ નગરપાલિકા દ્વારા આજથી પહેલી ઓગસ્ટ સુધી સ્વૈચ્છિક લોકડાઉન તેમજ જનતા કરફ્યુની લોકોને અપીલ કરી છે. આ અપીલને પગલે દાહોદના મોટા ભાગના બજારો બંધ રહ્યા હતા. 20મી જુલાઈથી ૧ ઓગસ્ટ સુધી તમામ ધંધા-રોજગાર બંધ રાખી કોરોના સામે સાવચેતી રાખી શકાય, તે માટે અપીલ કરવામાં આવી છે.


આ અપીલને પગલે આજ રોજ વહેલી સવારથી દાહોદની દુકાન બંધ જોવા મળી હતી. નગર પાલિકાની અપીલને ધ્યાને લઇ મોટાભાગે વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. જ્યારે કેટલીક દુકાનો ખુલ્લી પણ જોવા મળી હતી. સવારે 11 વાગ્યા સુધી શાકભાજી અને ત્રણ વાગ્યા સુધી મેડિકલનો સમય હોઈ બજારોમાં લોકોની અવર જવર જોવા મળી હતી. ત્યારે ટ્રાફિક જામ તેમજ સોશિયલ ડિસ્ટન્સનો આભવ પણ જોવા મળ્યો હતો.

જોકે નગર પાલિકાના કર્મચારીઓ દ્વારા લોકોને દુકાનો બંધ રાખી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ પણ કરવામાં આવી હતી. સાથે અનેક દુકાનો ખુલ્લી પણ જેથી સ્થાનિક કાઉન્સિલર દ્વારા લોકોને દુકાનો બંધ કરવા અપીલ કરાઈ હતી. દાહોદમાં હાલ 241 કોરોનાના કેસ નોંધાયેલ છે, જેમાં 123 એક્ટિવ તેમજ 99 દર્દીઓ ને રજા આપવામાં આવી છે, જેમાં દાહોદ શહેરમાં દિવસે દિવસે વધતા કેસને લઇ લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.