આણંદઃ આણંદ જિલ્લામાં દિવાળી તહેવારો દરમિયાન બજારોમાં ભારે ભીડના કારણે કોરોના સંક્રમણ વકરતા સુણાવ ગામમાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થયો છે. કેસોમાં વધારો થતાં આણંદના સુણાવ ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.


ગામ બંધ સાથે ગામના માર્ગો પર ચહલ પહલ ઓછી જોવા મળી હતી. ગામના લોકોએ કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. ગામનાં આરોગ્ય કેન્દ્રમાં રેપીડ અને એન્ટીજન ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં ફરી કોરોનાની વિસ્ફોટક સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા પાંચ દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા 5742 કેસ નોંધાયા છે. જ્યારે 33થી વધારે દર્દીઓ કોરોનાના સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.

રાજ્યમાં દર કલાકે કોરોનાના નવા 22 પોઝિટીવ કેસ આવી રહ્યા છે. પડતર દિવસથી લઈને લાભ પાંચમ વચ્ચે કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાંથી જ કોરોનાના 3471 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1340 પોઝિટીવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ અને સુરતમાંથી જ કોરોનાના નવા 485 પોઝિટીવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાની સારવાર દરમિયાન સાત લોકોના મૃત્યુ થયા છે. વધુ સાત દર્દીઓના મૃત્યુની સાથે રાજ્યમાં કોરોનાનો મૃત્યુઆંક 3830 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં 15 નવેમ્બરે 1070 અને 16 નવેમ્બરે 926 કેસ નોંધાયા હતા. જો કે ત્યાર બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 17 નવેમ્બરે 1125, 18 નવેમ્બરે 1281 અને 19 નવેમ્બરે 1340 કેસ નોંધાયા છે. આમ પડતર દિવસની સરખામણીએ લાભ પાચમના કેસના પ્રમાણમાં 25 ટકાથી વધુ કેસ નોંધાયા છે.