Weather Forecast: રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. આજે વાવ-થરાદ અને બનાસકાંઠા, તેમજ મહેસાણા અને મહીસાગર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, તાપી અને ડાંગમાં પણ વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જામ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં એકસાથે 6 જેટલી હવામાન સિસ્ટમ્સ સક્રિય થઈ છે, જેમાં ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ્સના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ, થરાદ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દરિયાકાંઠે પવનની ગતિ વધુ રહેવાની શક્યતા હોવાથી 16 અને 17 ઓગસ્ટના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.તાજેતરની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં અગાઉ ભારે વરસાદ માટે ચેતવણી આપવામાં આવી હતી, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી માટે યલો એલર્ટની આગાહી કરવામાં આવી હતી.દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને માછીમારોને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની સલાહ છે
વરસાદના આંકડાની વાત કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 501.6 mm વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 494.5 mm વરસાદ થવો જોઈએ. આમ, ચાલુ સિઝનમાં રાજ્યમાં સામાન્ય કરતાં 1 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
