ડભોઇઃ વડોદરાના ડભોઇમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, વડોદરાના ડભોઇમાં ફક્ત ચાર કલાકમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાત ઇંચ વરસાદથી ડભોઇમાં જળબંબાકાર જેવી સ્થિતિ પેદા થઇ હતી. ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.


ભારે વરસાદના કારણે ડભોઇમાં સત્યમ  પાર્ક, આયુસ સોસાયટી, નાંદોદી ભાગોળ, કોયલી વાવ, મહુડી ગેટ, ઉમા કોલોની સહિત 50 જેટલી સોયટીઓમા પાણી ભરાયા હતા. તે સિવાય ડભોઇ હીરાભાગોળથી નાંદોદી ભાગોળ વઢવાના રોડ ઉપર કમર સમાં પાણી ભરાયા હતા.


તો આ તરફ વડોદરાના શિનોરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. શિનોર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. જેના કારણે કાંઠાના 11 ગામોને એલર્ટ કરી દેવાયા છે.


બીજી તરફ  નવસારી જિલ્લા પર પૂરનો ખતરો મંડળાઈ રહ્યો છે. નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીની જળ સપાટી 23 ફૂટ પર પહોંચી છે..જે ભયજનક સપાટી છે.એટલે હવે પૂર્ણા નદીના પાણી  નવસારીમાં પ્રવેશી શકે છે. જેને લઈ જિલ્લા કલેક્ટરને નદી કાંઠે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરી છે. ગઈકાલ કરતા પણ વધારે પાણી પૂર્ણા નદીમાં આવી શકે છે. જેથી નીચાણવાળા વિસ્તારના લોકોને આશ્રય સ્થાને ખસી જવા અપીલ કરી છે.તો આ તરફ અંબિકા અને કાવેરીની નદીની જળ સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.


ગુજરાતમાં વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પેદા થઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, વરસાદને લઈ અત્યાર સુધી 83 લોકોના મૃત્યુ થયા છે. જેમાના 14 લોકોએ છેલ્લા 24 કલાકમાં જ જીવ ગુમાવ્યો છે. ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી અલગ-અલગ જિલ્લામાં NDRFની 18 અને SDRFની 21 ટીમ તહેનાત છે.


અત્યાર સુધી 31 હજાર 35 લોકોનું સ્થળાંતર કરાયું, જેમાંથી 9 હજાર 848 લોકો પોતાના ઘરે પરત ફર્યા છે. વરસાદના કારણે 51 સ્ટેટ હાઈવે, 483 પંચાયત હસ્તકના રસ્તા મળી 537 માર્ગો સુરક્ષાને ધ્યાને રાખી હાલ બંધ છે. તો કચ્છમાંથી પસાર થતો નેશનલ હાઈ-વે 41 તેમજ નવસારી- ડાંગ હાઈ વે બંધ છે, જેને ઝડપથી ચાલુ કરાશે. તો મુખ્યમંત્રીએ ડેશ બોર્ડના માધ્યમથી સતત બીજા દિવસે વરસાદ પ્રભાવિત વિસ્તારની સમીક્ષા કરી હતી. જ્યાં કોઝવે અને રસ્તા પર પાણી ફરી વળ્યા છે તેના પરથી વાહનચાલકો પસાર ન થાય તે માટે પોલીસફોર્સનો ઉપયોગ કરવાની સૂચના આપી છે. સાથે જ વરસાદથી નુકસાનીનો ઝડપથી સર્વે કરી સહાય ચૂકવવા સૂચના આપી છે.