ગાંધીનગરઃ ગુજરાત પર સતત મેઘરાજાની મહેર વરસી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, વરસાદને લઈ અત્યાર સુધી 83 લોકોના મૃત્યુ થયા છે. જેમાના 14 લોકોએ છેલ્લા 24 કલાકમાં જ જીવ ગુમાવ્યો છે. ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી અલગ-અલગ જિલ્લામાં NDRFની 18 અને SDRFની 21 ટીમ તહેનાત છે.


રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 47 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 98 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 47 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં 57 ટકા અને મધ્ય ગુજરાતમાં 38 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 26 ટકા વરસાદ વરસ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 22 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. હાલ રાજ્યમાં 27 ડેમ છે હાઈએલર્ટ પર છે. જ્યારે 12 ડેમ એલર્ટ પર છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 43 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 66 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 15 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 35 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 57 ટકા પાણીનો જથ્થો છે. અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 48 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.


રાજ્યમાં સવારથી અત્યાર સુધી 111 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.સવારે છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં ડાંગના સુબીરમાં સૌથી વધુ સાત ઈંચ વરસાદ ખાબક્યો છે.જ્યારે વલસાડના કપરાડામાં સવા પાંચ ઈંચ, નવસારીના વાંસદામાં 5 ઈંચ અને ગીર સોમનાથના ગીર ગઢડામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તો ડાંગના આહવા અને તાપીના ડોલવણમાં સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે.ડાંગના વઘઈ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ ચાર-ચાર ઈંચ વરસાદ નોંધાયો. વિસાવદર, ધરમપુર, કોડીનારમાં સાડા 3 ઈંચ, ઉનામાં 3 ઈંચ, ઉમરગામ, પારડી, ખેરગામમાં અઢી-અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.તો વાપી, વેરાવળ, જામ કંડોરણા, નવસારી, ધારી, મહુવામાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો. તો નવસારીના જલાલપોર, ચીખલી, પલસાણામાં પણ પોણા 2 ઈંચ વરસાદ પડ્યો હતો.