રાજ્યમાં આજે થયેલા બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત થયા હતા જ્યારે અમરેલીમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, દ્વારકાના દર્શનાર્થે પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે આજની સવાર અમંગળ સાબિત થઈ હતી. માળિયા-પીપળીયા હાઈવે પર ચાચાવદરડા ગામના પાટીયા પાસે એક અજાણ્યો વાહનચાલક પદયાત્રીઓના સંઘને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં ચાર પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. 

Continues below advertisement

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકાના શ્રદ્ધાળુઓનો એક સંઘ પગપાળા દ્વારકા તરફ જઈ રહ્યો હતો. આજે વહેલી સવારે જ્યારે આ સંઘ માળિયા-પીપળીયા હાઈવે પર આવેલા ચાચાવદરડા ગામના પાટીયા પાસે પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે પાંચ પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી ફરાર થઈ હતો. મૃતકોમાં અમરાભાઈ ચૌધરી, ભગવાનભાઈ ચૌધરી, હાર્દિક ચૌધરી, દિલીપભાઈનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય દુર્લભજી દેથરિયા પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. 11 લોકોનો સંઘ પગપાળા દ્વારકા જઈ રહ્યો હતો. 

અન્ય એક અકસ્માતમાં અમરેલીમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. બગસરાના હડાળાથી ડેરી પીપરીયા પાસે કાર રોડ પરથી નીચે ઉતરી ગયા બાદ ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કારમાં સવાર 3 લોકોના મોત થયા હતા જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી હતી. મૃતક ત્રણેય જૂનાગઢ જિલ્લાના રહેવાસી છે. અકસ્માત એટલી ગંભીર રીતે થયો હતો કે, કાર અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયરની ટીમની મદદ લેવામાં આવી હતી. આ અકસ્માત બાદ મૃતકોના પરિવારમાં આઘાતનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માતની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કારને ભારે નુકસાન થયું હોવાથી તેમાં સવાર લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંબી જહેમત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

Continues below advertisement