ગાંધીનગર : ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી છે. કૉંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા છે. શક્તિસિંહ ગોહિલ હાલમાં  રાજ્યસભાના સાંસદ છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા છે.  ગુજરાત કૉંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલ કૉંગ્રેસના દિગ્ગજ નેતા છે. સાંસદ શક્તિસિંહ ગોહિલ ગાંધી પરિવાર અને ખાસ કરીને  કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની ખૂબ જ નજીકના માનવામાં આવેે છે.   શક્તિસિંહ ગોહિલ  હાલમાં દિલ્હી કૉંગ્રેસ અને હરિયાણા કૉંગ્રેસના પ્રભારી છે. 




કોણ છે શક્તિસિંહ ગોહિલ?


તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહનો જન્મ 4 એપ્રિલ 1960માં ભાવનગર જિલ્લાના લિમડા ગામમાં થયો હતો. શક્તિસિંહ લિમડાના શાહી પરિવારના તે મોટા પુત્ર છે. જો શક્તિસિંહના અભ્યાસની વાત કરીએ તો તેઓએ બીએસસી,એલએલએમ, કોમ્પ્યૂટરમાં ડિપ્લોમા અને પત્રકારત્વમાં ડિપ્લોમાં કર્યું છે. 




શક્તિસિંહ ગોહિલની રાજકીય સફર


શક્તિસિંહ ગોહિલ 1986માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. ત્યાર બાદ શક્તિસિંહ ગોહિલે સ્થાનીક ચૂંટણી લડી ભાવનગર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ બન્યા હતા. 1990માં તે AICCના સદસ્ય બન્યા અને અહીંથી જ તેમની રાજકીય કારર્કિર્દીની શરૂઆત થઇ હતી. નોંધનીય છે કે, કોંગ્રેસના બહુ ઓછા નેતા છે જે ટેકનિકલ વાતોના પણ માહિતગાર છે અને ભાષા પર પણ સારી પકડ હોય. શક્તિસિંહને આવા જ એક કોંગ્રેસી નેતા છે. ઘણી વખત શક્તિસિંહે કોંગ્રેસને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢી છે.


તમને જણાવી દઈએ કે, શક્તિસિંહ ગોહિલ ભાવનગર દક્ષિણ બેઠક પરથી વર્ષ 1990, 1995 ઉપરાંત 2007ની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે, વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમને આ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, 2014ની પેટાચૂંટણીમાં શક્તિસિંહ કચ્છની અબડાસા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત મેળવી. 


સૌથી નાની વયે બન્યા હતા મંત્રી


તમને જાણીને આશ્ચર્ય થશે કે, શક્તિસિંહ ગોહિલ ગુજરાતના મંત્રીમંડળના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરમાં એટલે કે 32 વર્ષની ઉંમરે મંત્રીપદ સંભાળનારા નેતા તરીકે જાણીતા છે. વર્ષ 1991થી 1995 દરમિયાન તેમણે શિક્ષણ,સ્વાસ્થ્ય અને નાણાં મંત્રાલય જેવા વિભાગો સંભાળી તેમની યોગ્યતા પૂરવાર કરી હતી.