અમરેલી: અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલ અંધાપા કાંડ બાદ ફરી એક વખત વિવાદમાં આવી છે.  અલગ-અલગ બીમારીઓના દર્દીઓ સારવાર અર્થે આવ્યા હતા.  મોડી રાત્રે ઇન્જેક્શન અને દવાની બોટલ ચડાવતા 15 જેટલા દર્દીઓને આડ અસર થઈ હતી. 


અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલ અંધાપાકાંડનો મુદ્દો હજુ શાંત નથી થયો ત્યાં ફરી ઇન્જેક્શન કાંડ સર્જાયો છે.  ગત મોડી રાત્રે જુદી જુદી બીમારીના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા તે દરમિયાન દર્દીઓને ઇન્જેક્શન અને દવાની બોટલ ચડાવતા દર્દીઓને આડ અસર થવા લાગી હતી દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.  જેવું દર્દીઓને રીએકશન આવતા શરીરમાં કંપારી છૂટવા લાગી હતી.  શરીર ઠંડુ પડવા લાગ્યું હતું દર્દીઓના સગાઓએ હોબાળો મચાવ્યો હતો.  ફરજ પરના તબીબ સામે રોષ વ્યકત કરવામાં આવ્યો હતો. 


અમરેલી શાંતાબા સિવિલ હોસ્પિટલ ખાનગી ટ્રસ્ટ સંભાળી રહ્યું છે.  અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓ સારવાર લેવા અહીં આવે છે. ટાઈફોડ,  મેલેરીયા સહિતના દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા.  રાત્રિના ત્રણ ઇન્જેક્શનનો આપ્યા અને બાટલા ચડાવતા દર્દીઓને અજુગતું લાગવા લાગ્યું હતું.  શરીરમાં કંપારી છૂટવા લાગી હતી અને શ્વાસ રૂંધાવવા લાગતા દર્દીઓને વધુ સારવાર હાથ ધરવામાં આવી હતી.  દર્દીઓ અને તેમના સગા મુશ્કેલીમાં મુકાયા હતા.  રિએક્શન આવેલ દર્દીઓ હજુ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અમુક દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. 


સામાન્ય રીતે દર્દીઓને તાસીર પ્રમાણે રિએક્શન દવાઓનું લાગતું હોય છે પરંતુ 15 જેટલા દર્દીઓને એક સાથે રિએક્શન આવતા ક્યાંકને ક્યાંક ડોક્ટરોની બેદરકારી ગણી શકાય તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે.  અંધાપા કાંડમાં પણ આજ હોસ્પિટલમાં ઓપરેશન કરાવેલા દર્દીઓને પોતાની રોશની ડોક્ટરની બેદરકારીને કારણે ગુમાવવાનો વારો આવ્યો હતો.  ત્યારે દર્દીઓને આપવામાં આવતી દવાઓમાં કોઈ ફેરફાર હતો કે અન્ય દવા આપી હતી તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે. મોડી રાત્રે એક સાથે 15 દર્દીઓને આડ અસર થતાં દર્દીઓ અને તેમના સગાઓ મુશ્કેલીમાં મુકાયા હતા. 


અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 15 જેટલા દર્દીઓને ઇન્જેક્શન અને દવાના બોટલો ચડાવતા રિએક્શન લાગ્યું હતું.  ત્યારે સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ સિરિયસ રીએક્શન ન હોવાનું રટણ કરી રહ્યા છે.  સામાન્ય રિએક્શન ગણાવી રહ્યા છે. રીએકશની સામન્ય અસર આવતા ઇન્જેક્શન અને બોટલો ચડાવવાનું બંધ કરી દીધુ હતું.  દર્દીઓને અપાયેલ દવાઓના સેમ્પલ એફએસએલમાં તપાસમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


અમરેલી શાંતા સિવિલ હોસ્પિટલમાં થોડા સમય પહેલા અંધાપો કાંડ સર્જાયો હતો.  ત્યારે વધુ એક ઇન્જેક્શન કાંડ સામે આવ્યો છે સિવિલ હોસ્પિટલના સત્તાધીશ સામન્ય રીએકશન હોવાનું રટણ કરી રહ્યા છે ત્યારે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવશે તો સાચું તથ્ય સામે આવશે.