Shetrunji River drowning news: અમરેલી જિલ્લામાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં શેત્રુંજી નદીના પાણીમાં ડૂબી જવાથી ચાર માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાથમિક માહિતી મુજબ, અમરેલી તાલુકાના ગાવડકા ગામ અને આસપાસના વિસ્તાર નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં ચાર બાળકો નાહવા માટે પડ્યા હતા. નાહવા દરમિયાન આ બાળકો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અમરેલી ફાયર વિભાગ અને અમરેલી તાલુકા પોલીસને કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની બે રેસ્ક્યુ ટીમો, જિલ્લા ફાયર ઓફિસર ગઢવી સહિતની ટીમ અને પોલીસ જવાનો ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા. ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક શેત્રુંજી નદીના પાણીમાં બાળકોની શોધખોળ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
નદી કાંઠેથી બાળકોના કપડાં મળી આવ્યા હતા, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બાળકો સ્થાનિક વિસ્તારના જ હતા.
લાંબા સમય સુધી ચાલેલી શોધખોળ બાદ, ફાયર વિભાગની ટીમને નદીના પાણીમાંથી એક પછી એક એમ ત્રણ મૃતક બાળકોની લાશ મળી આવી હતી. હજુ એક બાળકની શોધખોળ ચાલુ હતી ત્યાં ચોથા બાળકની લાશ પણ મળી આવતા કુલ ૪ બાળકોના મૃતદેહ બહાર કઢાયા હતા.
નદીમાં ડૂબી જવાથી ચારેય બાળકોના મોત થયા હોવાનું દુઃખદ સત્ય સામે આવ્યું છે. એક સાથે ચાર માસૂમ બાળકોના મોત થતાં ગાવડકા ગામ અને સમગ્ર અમરેલી પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.