અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, ખેડા, ભરૂચ, સુરત, આણંદ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કેટલાક જિલ્લાઓમાં સામાન્ય તો કેટલાક જિલ્લામાં ભારે પવન અને કરા સાથે વરસાદે તોફાની બેટિંગ કરી હતી. 

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ 

અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો હતો.સમગ્ર ગુજરાતભરના વાતાવરણમાં આજે પલટો જોવા મળ્યો.   સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ  ખાબક્યો છે. રાજકોટના કુવાડવામાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. રાજકોટ જિલ્લાના લોધિકા પંથકમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો છે. ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે.  

બોટાદ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો 

બોટાદ તાલુકાના પાળીયાદ ગામ સહિત રાણપુર તાલુકાના રાણપુર સહિત મોટી વાવડી ગામે કમોસમી વરસાદ શરૂ થયો છે.  કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને મોટાપાયે નુકશાન થવાની શક્યતા છે. 

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  ભાવનગર જિલ્લામાં વાતાવરણ  અચાનક પલટો આવ્યો હતો.  વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ શરૂ થયો  છે.   ભાવનગર-રાજકોટ હાઇવે રોડ પર  સિહોર, સોનગઢ, સણોસરા સહિતના વિસ્તારના ગામોમાં  હળવો વરસાદ શરૂ થયો છે. 

અમદાવાદમાં કરા સાથે વરસાદ

અમદાવાદ શહેરનું પણ વાતાવરણ અચાનક પલટાયું હતું.  શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડી અને ભારે પવન ફૂંકાયો હતો. નારોલ, નરોડા, પાલડી અને દાણીલીમડા સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ વરસ્યો છે. પાલડી અને દાણીલીમડામાં કરા સાથે વરસાદ પડ્યો હતો.  

કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં

રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.  ઉનાળામાં માવઠું થતાં ખેડૂતોના જુવાર, બાજરી, તલ, કેરી, ટેટી સહિતના પાકને મોટાપાયે નુકશાન થવાની શક્યતા છે. સમગ્ર રાજ્યમાં આ કમોસમી વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન સહન કરવાનો વારો આવશે.   

હવામાન વિભાગની આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ,  રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. અનેક જિલ્લાઓમાં કરા સાથે વરસાદ વરસવાની શક્યતા છે. આ વિસ્તારોમાં ભારે વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. 

આગામી પાંચ દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટશે. હાલ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી પણ કરવામાં આવી છે. આજે પણ વરસાદને લઇ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 8મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.