જો કે ગુજરાતમાં ટુરિઝમનો વિકાસ થાય એ માટે દારૂબંધી હળવી કરવાનો તેમણે સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. ગુજરાતમાં ટૂરિઝમના વિકાસ માટે દારૂબંધી હળવી થશે જ નહીં એમ ભારપૂર્વક જણાવીને મુખ્યમંત્રીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાતમાં બહારના પ્રવાસીઓ દરિયાઈ સૌંદર્યથી આકર્ષાઈને આવશે અને તેમને આકર્ષવા માટે દારૂબંધી હળવી કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, દ્વારકા તાલુકાનો શિવરાજપુર બીચ બ્લૂફ્લેગ બીચ જાહેર થયેલો છે. આ બીચના દરિયાઈ સૌંદર્યથી આકર્ષાઈને મોટા પ્રમાણમાં ટૂરિસ્ટ આવશે તેમાં બેમત નથી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નવી પ્રવાસન નીતિ અંતર્ગત જિલ્લાના ચોક્કસ તાલુકાઓમાં ટૂરિઝમનો વિકાસ થાય તે માટે કેટલાક તાલુકાને હાઇ પ્રાયોરિટી ટૂરિઝમ સેન્ટર બનાવવાનો નિર્ણય કરાયો છે. આ સેન્ટર્સમાં રોકાણ આવશે તો જ પ્રોત્સાહનો આપવાનું નક્કી થયું છે.