સાબરકાંઠા :  હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.  વડાલી, વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે સાબરકાંઠા જિલ્લાના નદી- નાળા બે કાંઠે વહેતા થયા છે. ઉપરવાસમાં પણ સતત ભારે વરસાદના કારણે હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે.

વિજયનગરમાંથી પસાર થતી હરણાવ નદી તોફાની બની છે.સરસવ ગામમાં તો નદીના પાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા અને કોલેજમાં ઘૂસી ગયા હતા.  આ ઉપરાંત વિજયનગર- ખોખરા માર્ગ પર પણ પાણી ફરી વળ્યા હતા.  આ તરફ હરણાવ ડેમમાં પણ ઉપરવાસમાંથી વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. પાણીની અવિરત આવકથી હરણાવ જળાશયના ત્રણ દરવાજા 3.30 મીટર ખોલી નદીમાં પાણી છોડાયું. 11 હજાર 413 ક્યુસેક પાણીની આવક સામે જ નદીમાં છોડાઈ રહ્યું છે. 

ડેમમાંથી પાણી છોડાતા વિજયનગર તાલુકાના નવ ગામને એલર્ટ કરાયા છે.  આ તરફ ખેડબ્રહ્માથી પસાર થતી હરણાવ નદીમા પણ પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. આ તરફ ખેડબ્રહ્માના સોમનાથ મહાદેવ મંદિર ખાતે ઓચિંતા પાણીની આવક થતા મંદિરના પૂજારી અને કેટલાક ભક્તો ફસાઈ ગયા હતાં. ફાયર વિભાગની ટીમે તમામને બચાવી લીધા હતાં. 

હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી કરી છે વરસાદની આગાહી

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક છૂટછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવાામાન વિભાગે ઓગસ્ટના અંત સુધી રાજ્યમાં મેઘ મહેર યથાવત રહેવાના સંકેત આપ્યાં છે. બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ આકાર લઇ રહી છે. જને લઈ અનેક જિલ્લામાં આ સિસ્ટમ ભારે વરસાદ લાવશે.

રાજ્યમાં હાલ વરસાદની સિસ્ટમ સક્રીય થઈ છે. આ કારણે અત્યંત ભારે વરસાદ વરસવાનો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સીઝનનો સરેરાશ 77 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં 80 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં 73 ટકા વરસાદ વરસ્યો છે.