અમદાવાદ:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે. આજે ગોપાલ ઈટાલિયા અને ઈસુદાનની હાજરીમાં જાણીતા કલાકાર વિજય સુવાળા આપમાં સામેલ થયા છે. વિજય સુવાળાના ગુજરાતના અનેક લોકો ચાહે છે, તેમના ગીતો અને ભજનોથી લઈને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ હીટ છે. તેઓ ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં ખૂબ લોકચાહના ધરાવે છે. વિજય સુવાળા સંગીત અને ધર્મની સાથે જોડાયેલા છે અને તેમને અનુસરતા લોકોનો વર્ગ મોટો છે.  તેમના જોડાવાથી આમ આદમી પાર્ટીનો ફાયદો થઈ શકે છે. 



આમ આદમી પાર્ટીમાં પત્રકાર ઇસુદાન ગઢવીના જોડાયા બાદ પાર્ટીમાં વધુમાં વધુ લોકો જોડવામાં આવી રહ્યાં છે. આજે આમ આદમી પાર્ટીમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિજયભાઈ સુવાળા ઉર્ફે ભુવાજી અને ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામના સરપંચ તેમજ સર્વ સમાજ સેના પ્રમુખ મહિપતસિંહ ચૌહાણ જોડાયા છે. આપ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં નવયુવાનોને જોડવામાં આવી રહ્યા છે. આજે બંને યુવાનો આજે પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેમનું સ્વાગત કરીએ છીએ.  આમ આદમી પાર્ટીમાં વધુમાં વધુ લોકો જોડાય તેવો અમારો પ્રયત્ન રહેશે. 


ગાયક કલાકાર વિજય સુવાળાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિ જેઓ જમીનથી જોડાયેલા છે અને લોકો સાથે જોડાયેલા છે. સમાજમાં દરેક વર્ગને સાથે રાખી ચાલનાર પાર્ટી સાથે આજે જોડાયો છું.


આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન જોરશોરમાં ચાલી રહ્યું છે. પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં લડી લેવાના મૂડમાં છે. આ તકે પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ તંત્રી ઈસુદાને આજે એક ટ્વીટ કર્યુ હતું, ઈસુદાને પોતાના ટ્વીટમાં લખ્યું, 'મિત્રો હવે રાહ શેની જુવો છો ,કરો આજે જ મિસ્ડ કોલ અને જોડાવો આમ આદમી પાર્ટી સાથે ..ગુજરાત ને ભષ્ટ્રાચાર મુક્ત બનાવવા આપણે સૌ એ પોતાની શક્તિ પ્રમાણે મહેનત કરવી પડશે .કરો કોલ 7070237070. પર'


આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આમ આમદી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.