SIR form status check: ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા હાલમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) એટલે કે મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ પ્રક્રિયા 4 નવેમ્બર, 2025 થી શરૂ થઈ હતી અને હવે તેના ગણતરીના દિવસો બાકી છે. બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા ઓફલાઇન ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ, શું તમે ખાતરી કરી છે કે BLO એ તમારું ફોર્મ ઓનલાઇન અપલોડ કર્યું છે કે નહીં? જો આ ફોર્મ સબમિટ નહીં થાય તો તમારું નામ મતદાર યાદીમાંથી રદ થઈ શકે છે. સદનસીબે, તમે ઘરે બેઠા તમારા સ્માર્ટફોન દ્વારા આ સ્ટેટસ ચેક કરી શકો છો અથવા જાતે ઓનલાઇન ફોર્મ પણ ભરી શકો છો.
SIR શા માટે મહત્વનું છે?
ચૂંટણી પંચનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીને સંપૂર્ણપણે ક્ષતિરહિત બનાવવાનો છે. SIR ઝુંબેશ દરમિયાન, BLO ઘરે-ઘરે જઈને મતદારોની ખરાઈ કરે છે, નકલી કે ડમી મતદારોને દૂર કરે છે અને વિગતોમાં જરૂરી સુધારા કરે છે. જો તમે BLO ને ફોર્મ ભરીને આપી દીધું હોય, તો પણ એક જાગૃત નાગરિક તરીકે તે ઓનલાઇન અપડેટ થયું છે કે નહીં તે ચકાસવું તમારી જવાબદારી છે.
BLO એ ફોર્મ ભર્યું છે કે નહીં? આ રીતે કરો ચેક
તમારું ફોર્મ ઓનલાઇન સબમિટ થયું છે કે કેમ તે જાણવા માટે નીચે મુજબના સરળ સ્ટેપ્સ ફોલો કરો:
વેબસાઇટની મુલાકાત: સૌથી પહેલા તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં ચૂંટણી પંચનું સત્તાવાર પોર્ટલ voters.eci.gov.in ઓપન કરો.
SIR સેક્શન: હોમપેજ પર તમને 'Special Intensive Revision (SIR) – 2026' નો વિભાગ દેખાશે. ત્યાં 'Fill Enumeration Form' વિકલ્પ પર ક્લિક કરો.
લોગઈન કરો: અહીં તમારે તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, ઈમેલ આઈડી અથવા EPIC (ચૂંટણી કાર્ડ) નંબર નાખવાનો રહેશે. કેપ્ચા કોડ ભરીને 'Request OTP' પર ક્લિક કરો. આવેલો OTP નાખીને 'Verify & Login' કરો.
વિગતો શોધો: લોગઈન થયા બાદ ફરીથી 'Fill Enumeration Form' પર ક્લિક કરો, તમારું રાજ્ય પસંદ કરો અને તમારો મતદાર ઓળખ કાર્ડ નંબર (EPIC No) દાખલ કરીને 'Search' બટન દબાવો.
કેવો મેસેજ આવશે?
જો ફોર્મ ભરાઈ ગયું હોય: જો BLO દ્વારા તમારું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હશે, તો સ્ક્રીન પર એક મેસેજ ફ્લેશ થશે: "Your form has already been submitted with mobile number XXXXXXXXX. Contact your BLO for more information." (તમારું ફોર્મ મોબાઈલ નંબર... સાથે પહેલાથી જ સબમિટ થઈ ગયું છે).
જો મેસેજ ન આવે: જો તમને આવો કોઈ મેસેજ દેખાતો નથી, તો તેનો અર્થ એ છે કે તમારી પ્રક્રિયા બાકી છે. આવા સંજોગોમાં તાત્કાલિક તમારા વિસ્તારના BLO નો સંપર્ક કરો.
જાતે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?
જો કોઈ કારણસર BLO તમારા સુધી પહોંચી શક્યા નથી અથવા તમે ઓફલાઇન ફોર્મ નથી ભર્યું, તો તમે જાતે પણ ઓનલાઇન અરજી કરી શકો છો.
શરત: આ માટે તમારો મોબાઈલ નંબર તમારા ચૂંટણી કાર્ડ (Voter ID) સાથે લિંક હોવો જરૂરી છે.
પ્રક્રિયા: પોર્ટલ પર 'Fill Enumeration Form' માં જઈ, રાજ્ય પસંદ કરો અને EPIC નંબર નાખો. તમારી અંગત વિગતો (જેમ કે નામ, સરનામું) ચકાસો.
દસ્તાવેજ: ઓનલાઇન વેરિફિકેશન માટે આધાર કાર્ડ જરૂરી છે. ખાસ ધ્યાન રાખો કે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં તમારું નામ એકસમાન હોવું જોઈએ. બધી વિગતો ભરીને તમે ફોર્મ સબમિટ કરી શકો છો.