ભરૂચમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા, ST બસમાં એક સાથે 50-55 મુસાફરો બેસાડ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Aug 2020 07:59 AM (IST)
જાંબુસરથી ભરૂચ જઈ રહેલ એસટી બસમાં મોટી સંખ્યામાં મુસાફરોને ભરવામાં આવ્યા છે.
અમદાવાદઃ ગુજરાતમાં અને દેશમાં એક બાજુ કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે લોકો કેસ વધવાની સાથે કોરોનાને લઈને લોકોની બેદકારી પણ દિવસેને દિવસે વધી રહી છે. કોરોનાથી બચવા માટે લોકોએ એક બીજાથી વધુમાં વધુ અંતર રાખવું જોઈએ તેની જગ્યાએ ભરૂચમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા છે. જાંબુસરથી ભરૂચ જઈ રહેલ એસટી બસમાં મોટી સંખ્યામાં મુસાફરોને ભરવામાં આવ્યા છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક જ બસમાં 50-55 મુસાફરોને લઈને બસ જતી જોઈ શકાય છે. પૂરતી સંખ્યામાં બસ ન હોવાને કારણે લોકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. ગુજરાતમાં કોરોના કેસની વાત કરીએ 18 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1126 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 20 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2822 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,410 એક્ટિવ કેસ છે, જ્યારે 63,710 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 78 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,332 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 80,942 પર પહોંચી છે.