અમદાવાદ: આજથી 2021ના નવા વર્ષનો પ્રારંભ થયો છે. નવા વર્ષમાં હજુ કોરોના ગયો નથી. જોકે નવા વર્ષે પણ નેતાઓ હજુ સુધર્યા નથી. આ વખતે તો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા અન્ય કોઈ નહીં ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં જ ઉડ્યા છે. સી.આર.પાટીલ જેની પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થતા સુરતમાં કાર્યક્રમ યોજાયો હતો પરંતું કોરોના કાળમાં સ્વાગત માટે ઉમટેલી ભીડને જોઈ પ્રદેશ અધ્યક્ષે પોતાનો કાર્યક્રમ રદ્દ કરી નાંખ્યો હતો.

કોરોના કાળમાં કોઈ પણ પ્રકારના સંમેલનો અને કાર્યક્રમો નહીં યોજવા પણ ભાજપના નેતાઓને સી.આર.પાટીલે જ આદેશ કર્યો હતો. પરંતુ હવે પ્રદેશ અધ્યક્ષ પાટીલની અધ્યક્ષતામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. છોટાઉદેપુરના સંખેડામાં આ કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ભાજપના આગેવાનો સહિત સભામાં ઉપસ્થિત રહેનારા સૌ કોઈના ચહેરા પર માસ્ક તો જોવા મળ્યા પરંતું દો ગજ તો ઠીક એક ઈંચનું પણ સામાજિક અંતર ન જળવાયું.

પ્રદેશ પ્રમુખની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. પરંતું ન તો પોલીસના ધ્યાને આ વાત આવી કે ન તો નેતાજીને ભાન થયું. અહીં સવાલ એ થાય છે કે શું નવા વર્ષે કોરોના પણ ચાલ્યો ગયો છે. છોટાઉદેપુર પોલીસ શું કરી રહી હતી એ સવાલ મહત્વનો છે. શું ભાજપના નેતા સહિતના કાર્યકરો સામે કાર્યવાહી થશે.