Panachmal News:  ગોધરામાં બાંધકામ સાઇટમાં પાયાના ખોદકામ દરમિયાન માટી ધસી પડી હતી. જેમાં ત્રણ શ્રમિકો દટાયા હતા. ગોધરાના સૈયદ વાડા વિસ્તારમાં માટી ધસી પડ્યાની માહિતી મળતાં જ ગોધરા ફાયર બ્રિગેડ ટીમ અને પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગોધરા નગરપાલિકા જવાનોએ જેસીબી મદદથી માટી હટાવીને બચાવ કામગીરી શરૂ કરી હતી. બે કલાકની ભારે જહેમત બાદ માટીમાં દટાયેલા ત્રણેય શ્રમિકને બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકનું મોત થયું હતું, જ્યારે એક શ્રમિકના હાલત નાજુક છે.    


પંચમહાલમાં તાલીમાર્થી એસઆરપી  જવાનોને ફુડ પોઇઝનિંગ અસર


પંચમહાલમાં તાલીમાર્થી એસઆરપી જવાનોને ફુડ પોઇઝનિંગની અસર થઈ હતી. સવારનો ચા નાસ્તો કર્યા બાદ એસઆરપી ગ્રુપ પાંચના 10 જેટલાં જવાનોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. અસરગ્રસ્ત તમામ એસઆરપી જવાનોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.


પૈસાદાર સાધુ મહાત્મા હોવાનો દંભ કરી ગાડી લઈ થઈ ગયો ફરાર


પંચમહાલમાં પૈસાદાર સાધુ મહાત્મા હોવાનો દંભ કરી ઠગાઈ કર્યાની ફરિયાદ કાકણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આરોપી 9 લાખ કિંમતની મહિન્દ્રા થાર ગાડી લઈ ફરાર થઈ ગયો હતો.
રયાજીભાઈ પરમાર સાથે આરોપીએ મૌખિક જમીનનો સોદો કરી 1.75 કરોડ નાં PDC બેન્ક નાં ચેક આપી ઠગાઈ  કરી હતી. બે દિવસ માટે ગાડી વાપરવા લઈ જવાનું જણાવી ફરિયાદીની મહિન્દ્રા થાર ગાડી લઈ ફરાર થયો હતો. કાકણપુર પોલીસે મૂળ રાજસ્થાન જયપુર જોટવાંડાનાં પ્રદીપ સિંહ પોપટજી જાડેજા સામે છેતરપિંડીનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


અમદાવાદમાં પીએમ મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવનારા 8 લોકોની ધરપકડ, જાણો વિગત


અમદાવાદમાં પીએમ મોદી સંદર્ભે પોસ્ટર લગાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. 8 અલગ અલગ સ્થળ પર અનધિકૃત રીતે પોસ્ટર લગાવવા બદલ 8ની ધરપકડ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદી સામે વાંધાજનક સુત્રોના પોસ્ટર લગાવાયા હતા, જેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે.


શહેરના વિવિધ વિસ્તારોમાં 'મોદી હટાઓ, દેશ બચાવો'ના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, આ તમામ લોકો વિરુધ કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે 8 વ્યક્તિઓ સામે ફરીયાદ દાખલ કરીને કાયદેસરનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.  ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારો કે જેમકે વટવા, ઈસનપુર, મણીનગર, નારોલ, વાડજમાં પોસ્ટરો લગાવાવમાં આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ તમામ પોસ્ટર સરકારી મિલકતો પર લગાવવામાં આવ્યા હતા.


આ ધરપકડો આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી પોસ્ટર ઝુંબેશ શરૂ કર્યાના એક દિવસ પછી કરવામાં આવી છે. AAPએ દેશભરની 11 ભાષાઓમાં ભાજપ વિરુદ્ધ આ પોસ્ટર અભિયાન શરૂ કર્યું છે. અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ ઉપરાંત ગુજરાતી, પંજાબી, તેલુગુ, બંગાળી, ઉડિયા, કન્નડ, મલયાલમ અને મરાઠી ભાષામાં પણ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે.