વડોદરાઃ હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીનો ગઈ કાલે અક્ષરવાસ થયો હતો. તેમનો પાર્થિવ દેહ હરિધામ સોખડા ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. તેમના પાર્થિવ દેહના દર્શન કરવા માટે અનેક મહાનુભાવો આવશે. આજે સાંજે રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા દર્શન કરવા આવશે. આવતી કાલે ગુરુવારે મંત્રી સૌરભ પટેલ દર્શન કરવા આવશે.


ગુરુવારે આવતી કાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અથવા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવશે. શુક્રવારે મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા દર્શન કરવા આવશે. 31 જુલાઈએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને 1 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવશે. 


પીએમઓ સાથે પણ કોઠારી સ્વામીનો સતત સંપર્ક થઈ રહ્યો છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ અથવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ દર્શન કરવા આવશે.

મંદિર પરિસરના પ્રાંગણમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે



પહેલી ઓગસ્ટના રોજ બપોરે બે કલાકે મંદિર પરિસરના પ્રાંગણમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે.  આવતીકાલ થી શ્રદ્ધાળુઓ માટે હરિ પ્રસાદ સ્વામી નો પાર્થિવ દેહ પાલખીમાં મુકવામાં આવશે.

શ્રદ્ધાળુઓ માટે હરિ પ્રસાદ સ્વામીનો પાર્થિવ દેહ પાલખીમાં મુકાયો



આજથી શ્રદ્ધાળુઓ માટે હરિ પ્રસાદ સ્વામીનો પાર્થિવ દેહ પાલખીમાં મુકાયો છે.  શનિવાર અથવા રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સ્વામીના અંતિમ દર્શન માટે આવી શકે છે.


1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર



સંત હરિપ્રસાદ સ્વામીના નશ્વરદેહને 5 દિવસ અંતિમ દર્શન માટે મૂકાશે અને 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલી પાઠવી



મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.


વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામીનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાતે 11 વાગ્યે અક્ષરનિવાસી થયા છે. 88 વર્ષની ઉંમરે હરિપ્રસાદ સ્વામીજીની ઘણા સમયથી નાદુરસ્ત તબિયતને લીધે તેમનું રૂટીન ચેકઅપ કરવામાં આવતુ હતુ. ત્યારે સોમવારે સાંજે સ્વામીજીને વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે તેમની તબિયત લથડા તબીબોએ સારવાર શરૂ કરી હતી. જો કે મોડી રાત્રે 11 વાગ્યે સ્વામીજીએ નશ્વર દેહ છોડ્યો હતો.


સ્વામીજીના નિધનથી હરિભક્તોમાં શોક વ્યાપી ગયો હતો. વડોદરા ઉપરાંત દેશ વિદેશમાં રહેતા તેમના ભક્તોમાં શોકનો માહોલ છે. યોગી ડિવાઈન સોસાયટીના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગ વલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ અને સેક્રેટરી અશોકભાઈએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મિય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરૂ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને આજે 26 જુલાઈએ રાત્રે 11 કલાકે સ્વતંત્ર થતા અક્ષરધામમાં બિરાજી ગયા છે.


સ્વર્ગસ્થ હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ 1934માં થયો હતો. તેઓ BAPS સંપ્રદાયના સંત પ્રમુખ સ્વામી મહારાજના ગુરૂભાઈ હતા. 23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટ્ય દિવસ ભક્તોએ ઉજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર, જિલ્લા ઉપરાંત દેશ-વિદેશામં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા હતા.