સુરેન્દ્રનગરઃ લખતરના ઢાંકી ગામે જવાના તમામ રસ્તા પૂરના પાણીમાં ડૂબી જતા ઢાંકી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. વરસાદને કારણે પાણી ફરી વળ્યા છે. લખતર તાલુકાના ઢાંકી ગામ ફરતા ઉમઇ નદીના પૂરના પાણી ફરી વળતા ઢાંકી ગામ સંપર્ક વિહોણું બની ગયું છે, ત્યારે લીલાપુર અને છારદ ગામ તરફથી ઢાંકી આવવાના રસ્તે ઉમઇ નદીના પાણી ફરતા તમામ રસ્તા બંધ થઈ ગયા છે. ગામ સંપર્ક વિહોણું થઈ ગયું હોય સરકારી તંત્ર દ્વારા યોગ્ય પગલા લઈ સહાય કરાય તે અત્યંત જરૂરી છે.

ભારે વરસાદને પગલે લખતર તાલુકાનું કારેલા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સુરેન્દ્રનગરના લખતરમાં 8 ઇંચ જેટલો વરસાદ તૂટી પડતાં તાલુકો પાણી-પાણી થઈ ગયો છે. કારેલા ગામ જવાના કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તા બંધ થયા છે. વઢવાણ પાસે આવેલા વરસાણી ગામ બેટમાં ફેરવાયું છે. વરસાણી ગામ પાસે કોઝવે પર પાણી આવ્યું છે. ગામની આસપાસ પણ પાણી ભરાયાં છે.
લીંબડી લખતર સ્ટેટ હાઈવે પર તાવી નજીક પાણી ભરાયા છે. હાઈવે પર આવેલ કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યું છે. વરસાદ બંધ થવા છતાં પાણી નથી ઓસરી રહ્યા. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, બ્રીજ ન હોવાને કારણે પાણી ભરાઈ રહ્યા છે. તાવી આસપાસ ખેતરો પણ બેટમા ફેરવાયા છે. કપાસ,એરંડા , તલ સહીતના પાકને નુકશાન થયું છે. 20થી વધુ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.

લખતર અને વઢવાણમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે ગામને જોડતુ કાચુ નાળુ તૂટ્યુ છે. ગ્રામજનોને અવર જવરમાં પરેશાની થઈ રહી છે. લખતરના તલસાણા ગામે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે. જેના કારણે ગામમાં પ્રવેશવાનો માર્ગ બંધ થઈ ગયો છે. ઉમઈ નદી બે કાંઠે વહી રહી છે. લખતરનું તલસાણા ગામ બેટમા ફેરવાયું છે.

લખતર તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને લઈને દેવળીયા ગામનું તળાવ ઓવરફલો થયો છે. તળાવ ઓવરફલો થતા એક તરફનો પાળો તુટી ગયો છે. તળાવ રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ છે.