યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે. ત્યારે  ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (જીએસઆરટીસી) દ્ધારા અંબાજી સુધી 1000 એકસ્ટ્રા બસો દોડાવાશે. તે સિવાય અંબાજીથી ગબ્બર સુધી જવા માટે 20 મીની બસો પણ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


દર વર્ષ નિમિતે ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં મોટો મેળો ભરાય છે અને સમગ્ર ગુજરાતમાંથી લાખો માઈભક્તો અંબાજી દર્શન માટે ઉમટી પડે છે. ત્યારે દર વર્ષની જેમ એસટી નિગમ આ વર્ષે પણ એકસ્ટ્રા બસો દોડાવશે. એસટી નિગમ 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન 1 હજાર એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લીધો છે.  આ સિવાય 20 મીની બસ અંબાજીથી ગબ્બર સુધી જવા માટે મુકવામા આવશે. તે સિવાય દાંતાથી અંબાજી જવા પણ એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. ગયા વર્ષે ભાદરવી પૂનમના પર્વ પર જીએસઆરટીસીએ 600 એકસ્ટ્રા બસો દોડાવી હતી. જેનો 11 લાખ મુસાફરોએ લાભ લીધો હતો.


ઉપરાંત આ વખતે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા QR કોડ પણ લોન્ચ કરવામાં આવ્યો છે. આ QR કોડ થકી યાત્રિકોને જમવા રહેવા સહીતની જગ્યાઓના ચોક્કસ લોકેશન મળી રહેશે. ગબ્બર પર્વત પરના પગથિયાં પર પણ સફેદ કલર કરવામાં આવ્યો છે. આ કલરને લીધે યાત્રિકો પગરખાં પહેર્યા વગર પણ આ પગથિયાં પર ચાલી શકશે.


આ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે ગુજરાત સરકાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારૂ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે.પ્રવાસન સચિવ હારિત શુક્લાએ જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓ માટે બસ વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, પાર્કિંગ, કાયદો- વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, અંબાજી નગરમાં લાઇટિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા, સુરક્ષા- સલામતીનું આયોજન કરવામાં આવશે. યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલે જણાવ્યું હતું કે આ વર્ષે અંબાજી આવનાર શ્રદ્ધાળુઓ અગવડ ન પડે તે માટે ગત વર્ષે 4000 ચો.મી વિસ્તારમાં વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરવામાં આવી હતી કે જેમાં વધારો કરી આ વર્ષે 9000 ચો.મી વિસ્તાર સાંકળી આયોજન કરવામાં આવેલ છે. તેના કારણે વધુ યાત્રાળુઓ આરામ કરી શકશે. વાહનો લઈને આવનાર યાત્રાળુઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે.