કોરોનાનું સંક્રમણ ઘટતા અને ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થયા બાદ આજથી રાજ્યની સ્કૂલોમાં ધોરણ નવ અને 11ના વર્ગો શરૂ થશે. બીજા તબક્કામાં આજથી ધોરણ 9 અને 11 ના વર્ગ શરૂ કરવામાં આવશે. જો કે કોરોનાની સ્થિતિને જોતા રાજ્ય સરકારના નિર્દેશ અને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

ક્લાસરૂમમાં એક બેંચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવશે. સાથે જ સોશલ ડિસ્ટસિંગ અને માસ્કના નિયમોનું પણ ચુસ્તપણે પાલન થાય તેનું સ્કૂલ સંચાલકોએ ધ્યાન રાખવુ પડશે. ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ થતા હવે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. લગભગ 11 મહિના બાદ ધોરણ નવ અને 11ના વર્ગો શરૂ થઈ રહ્યા છે. ત્યારે હવે વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ આપ્યા બાદ વાર્ષિક પરીક્ષા પણ લઈ શકાશે.

આ પહેલા આ મામલે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, "હાલ ધોરણ-10 અને ધોરણ-12નું શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્કૂલોમાં બાળકોની હાજરી પણ સંતોષકારક જોવા મળી રહી છે. વાલીઓએ પણ મોટા પ્રમાણમાં સંમતિ આપી છે. SoPનું પણ પાલન થઈ રહ્યું છે. તમામ વાતોને ધ્યાનમાં રાખીને હવે ધોરણ-9 અને ધોરણ-11ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે."