શિક્ષણ કાર્ય શરૂ થયા પહેલા જ અલગ અલગ સ્કૂલ અને કોલેજોમાં સાવચેતીના પગલે સાફસફાઈની સાથે સેનેટાઈઝેશનની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓને કોરોનાના સંક્રમણથી દુર રાખવા માટે શાળા અને કોલેજમાં સેનેટાઈઝર, માસ્ક સહિત વ્યવસ્થા ઉભી કરાઈ છે.
દસ મહિનાના વેકેશન બાદ આજથી ફરીથી સ્કૂલ કોલેજ શરૂ થઈ રહી છે ત્યારે રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો પણ રાજ્યના અલગ અલગ જિલ્લા અને ગ્રામીણ વિસ્તારોની સ્કૂલ કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓને આવકારશે. મંત્રીઓ અને ધારાસભ્યો વિદ્યાર્થીઓનું સ્કૂલમાં સ્વાગત કરશે. સાથે જ વિદ્યાર્થીઓને કોરોના કીટ પણ આપશે.
આ પહેલા 6 જાન્યુઆરીએ મળેલી કેબિનેટ બેઠકમાં સ્કૂલ કોલેજ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટની બેઠક બાદ આ જાહેરાત કરી હતી. રાજ્યની તમામ બોર્ડની સ્કૂલોને આ નિર્ણય લાગુ પડશે. આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટ તથા ગ્રેજ્યુએટ કક્ષાના છેલ્લા વર્ષના ક્લાસ પણ શરૂ કરાશે.
ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજની કેબિનેટની બેઠકમાં શાળા -કોલેજ ખોલવા મુદે ચર્ચા થઈ હતી અને તેમાં નિર્ણય લેવાયો છે કે, 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12, પીજી, યુજી છેલ્લા વર્ષનું શિક્ષણ ચાલુ કરવામાં આવશે. આ નિર્ણય ગુજરાતનાં તમામ બોર્ડને લાગુ પડશે. તેમણ કહ્યું કે, કેન્દ્ર સરકારની એસઓપીનો રાજય સરકારે સ્વીકાર કર્યો છે, તેથી શાળામાં સાવચેતી અને આરોગ્યની સાવચેતી રાખવી પડશે. આ ઉપરાંત સ્થાનિક પીએસસી સીએચસી સાથે સંકલન કરવું પડશે.