Gujarat budget: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરશે. નાણામંત્રી ચોથું બજેટ રજૂ કરશે. બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો પર ભાર મુકવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આરંભ ગઇકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થયો હતો. તેમણે 37 મિનિટના ભાષણ દરમિયાન રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.
દોઢ મહિનો ચાલનારા વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ જમીનના કૌભાંડો, આરોગ્ય સેવાનો ખ્યાતિકાંડનો મામલો, ભરતીમાં અનિયમિતતા-ગેરરીતિ સહિતના પ્રશ્નોને લઇને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. નોંધનીય છે કે ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પહેલા દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.
બજેટ સત્રના પ્રથમ દિવસે ગુજરાત વિધાનસભા બહાર કૉંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભારતીયોના ડિપોર્ટેશન મુદ્દે કૉંગ્રેસના ધારાસભ્યોએ ગળામાં પોસ્ટર અને હાથમાં હાથકડી પહેરી દેખાવો કર્યા હતા. કૉંગ્રેસે મોદી અને ટ્રમ્પની દોસ્તી પર પણ સવાલો ઉઠાવ્યા અને આરોપ લગાવ્યો કે, હાથકડી અને જંજીર પહેરાવી અમેરિકાએ ભારતીયોનું અપમાન કર્યું હતું.
તે સિવાય વિરમગામમાં ડાંગર ખરીદી કૌભાંડ મુદ્દે ખેડૂતોએ કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડાંગર ખરીદી બાદ ચૂકવણીથી વંચિત રહેલા ખેડૂતો વિધાનસભા ખાતે પહોંચ્યા હતા. જ્યાં વિધાનસભાના ગેટ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ ભાજપના જ ધારાસભ્ય પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ખેડૂતોએ આરોપ લગાવ્યો કે કૌભાંડી સૂફિયાનના ધારાસભ્ય સાથે સારા સંબંધો છે. વિરમગામમાં ડાંગર ખરીદીમાં 3 કરોડ 76 લાખ રૂપિયાનું કૌભાંડ આચરાયું છે. 1221 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી. જોકે 294 ખેડૂતોને હજુ સુધી નાણાં ચૂકવાયા નથી. પોર્ટલના આઈડીના માધ્યમથી આખુય ડાંગર કૌભાંડ આચરવામાં આવ્યું હતું.