ગુજરાતમાં કોરોનાવાયરસના કેસ હાલ સ્થિર છે. છેલ્લા એક સપ્તાહથી કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સંભવિત ત્રીજી લહેર સામે સતર્કતાના આગોતરા આયોજનના નિર્ધાર સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તેમના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં ટાસ્કફોર્સના તજજ્ઞો, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તજજ્ઞો સહિત આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતોએ ભાગ લીધો હતો.
આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે કોરોનાને જરાય હળવાશથી ન લેવા સલાહ આપી છે. અને સરકાર કોવિડને હરાવવા તમામ પ્રયાસો કરી રહી હોવાનું પણ તેમણે ઉમેર્યું છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા સરકાર સજ્જ છે. બીજી લહેરમાં સપ્તાહથી ઘટાડો થયો હોવાનો મુખ્યમંત્રી રુપાણીનો દાવો. ટાસ્ક ફોર્સના તબીબો સાથે સારવાર, દવાઓ, અને આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આગોતરા આયોજનની ચર્ચા કરાઈ છે.
આ બેઠકમાં ટાસ્ક ફોર્સના તજજ્ઞ તબીબો ઉપરાંત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને એમ કે દાસ તથા અન્ય વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.
કોરોના વાયરસ (Coronavirus)ના કેસ હવે ઘટી રહ્યા છે
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ હવે ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,592 કેસ નોંધાયા છે. જેની સામે 14,931 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 117 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8511 પર પહોચ્યો છે.
રાજ્યમાં આજે 14931 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,47,935 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,36,158 પર પહોંચ્યો છે. જેમાંથી 792 લોકો વેન્ટિલેટર પર અને 1,35,366 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.11 ટકા છે.